રિપોર્ટર પોપટ લાલ બૌદ્ધિક ભારત સમાચાર ધાનેરા
ધાનેરા નગરપાલિકામાં આવેલ તમામ બોર અને સ્ટ્રીટ લાઈટ તેમજ ઓફિસનું મળીને 2.60 કરોડનું બિલ બાકી હોવાના કારણે વીજ કંપની દ્વારા નગરપાલિકા કચેરીનું શુક્રવારે મોડી સાંજે વીજ જોડાણ કાપતા ધાનેરા નગરપાલિકા કચેરીમાં શનિવારે તમામ કામો અટવાઇ પડ્યા હતા. જેથી સોમવારે જનરેટર દ્વારા લાઇટ ચાલુ કરવામાં આવી હતી.ધાનેરા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી પાણીના બોર તેમજ સ્ટ્રીટ લાઈટના વીજ બીલો મોટા પ્રમાણમાં ચડી જતા ધાનેરા વીજ કંપની દ્વારા અવાર-નવાર બિલ ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ નગરપાલિકા દ્વારા આ વીજબિલો ભરવામાં ના આવતા નગરપાલિકાને આખી નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પાલિકા દ્વારા વીજળી બિલના નાણાં ન ભરાતા વીજ કંપનીએ શુક્રવારે નગરપાલિકાની કચેરીનું લાઈટનું કનેક્શન આપી દેવામાં આવ્યું હતું. જેના કારણે શનિવારે નગરપાલિકા કચેરીમાં અંધારપટ છવાયો હતો અને પાલિકામાં કામ અર્થે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી પાલિકા દ્વારા સોમવારે નગરપાલિકામાં આવતા લોકોને કામમાં અગવડ ના પડે તે માટે જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. આખો દિવસ જનરેટર ચાલુ રાખીને નગરપાલિકાનો વહીવટ ચાલુ રાખ્યો હતો.આ અંગે વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે પાલિકામાં સ્ટ્રીટ લાઈટ તેમજ પાણીના બોરોના બીલો મળીને રૂપિયા 2 કરોડ અને 60 લાખ બાકી થાય છે. જેથી પાલિકાની અવાર-નવાર બિલ ભરવા માટે નોટિસો આપવામાં આવી તેમ છતાં ન ભરાતો પ્રથમ તબક્કે ઓફિસનું વીજ કનેક્શન કાપેલ છે માટે જ્યાં સુધી બીલની રકમ ભરપાઇ કરવામાં નહી આવે ત્યાં સુધી વીજકનેકશનનું જોડાણ કરવામાં આવશે નહીં.