રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના અનાપૂરછોટા ગામે સીતારામ ગૌશાળામાં નજીવા વિખવાદના કારણે સીતારામ બાપુ ગૌશાળા છોડી પાંચ દિવસ અગાઉ ચાલ્યા ગયા હતા. જ્યારે ગુરુવારે પીઆઈ અને ગ્રામજનોની હાજરીમાં વિવાદનો અંત આવ્યો હતો.ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા અનાપૂરછોટા ગામમાં સીતારામ ગૌશાળામાં 200 જેટલા ગૌવંશની સેવા થાય છે. ગૌ શાળાનું સંચાલન ગૌ ભક્ત સીતારામ બાપુ કરે છે. જોકે છેલ્લા આઠ દિવસથી ગામમાં થયેલ વિવાદના કારણે સીતારામ બાપુ પાંચ દિવસ અગાઉ ગૌશાળા છોડી ચાલ્યા ગયા હતા. જેના કારણે ગૌશાળામાં વસવાટ કરી રહેલ ગૌવંશ રઝળી પડ્યો હતો. તો બીજી તરફ ગૌ શાળાના દરવાજા ખુલ્લા રહી જતાં 50 જેટલી ગાયો ગૌશાળામાંથી બહાર નીકળી ગઈ હતી. જો કે ગ્રામજનો અને ગૌ ભક્તોને સીતારામ બાપુ ગૌશાળામાં નથી જેની જાણ થતાં ગ્રામજનોએ પાંચ દિવસ સુધી ગાયોની સેવા કરી હતી. જેથી ગુરુવારે ગૌ ભક્તોની બેઠક થતાં આખરે સીતારામ બાપુ ગૌ ભક્તોની રજૂઆતના પગલે ગૌ શાળામાં આવી પહોંચ્યા હતા.પીઆઈ એ.ટી.પટેલએ જણાવ્યું હતું કે, ‘સીતારામ ગૌશાળામાં પહોંચી ગૌ ભક્તો સાથે બેઠક કરી વિવાદનો અંત આવે અને દરેક ગૌ ભક્ત સાથે મળી ગૌ માતાની સેવા કરે તે માટેના પ્રયત્ન કર્યા હતા અને આખરે સુખદ રીતે સીતારામ ગૌ શાળાના વિવાદનો અંત આવ્યો છે