દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીની કાર્યશાળા યોજાઇ હતી. જેમાં સુખી અને તંદુરસ્ત જીવન જીવવા દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તરફ વળવા રાજ્યપાલએ ખેડુતોને આહવાન કર્યુ હતું.
દેશી ગાય રાખનાર ખેડૂતોને રાજ્ય સરકાર દર મહિને રૂ. 900 સહાય આપે છે
આ કાર્યશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, કાંકરેજી અને ગીર ઓલાદની દેશી ગાયના માત્ર એક ગ્રામ છાણમાં 300 કરોડ જેટલી વિરાટ સંખ્યામાં ખેતી ઉપયોગી બેક્ટેરીયા હોય છે તેના દ્વારા નોંધપાત્ર ખેત ઉત્પાદન મેળવીને બિમારીઓથી પણ દૂર રહી શકાય છે. છેલ્લા બે વર્ષથી સમગ્ર રાજયમાં સુભાષ પાલેકર પ્રેરીત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અભિયાન સ્વરૂપ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેમાં ખુબ સારી સફળતા પણ મળી રહી છે. ગુજરાતમાં ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારીત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે.
રાસાયણિક ખાતરોના આડેધડ ઉપયોગથી હોસ્પિટલો ભરચક છે ત્યારે સમાજને ફેમીલી ર્ડાકટરની સાથે સાથે હવે ફેમીલી ખેડુતની જરૂર છે. છેલ્લા 10 વર્ષથી હરીયાણાના કુરૂક્ષેત્ર-ગુરૂકુળની 200 એકર જમીનમાં રાસાયણીક ખાતરોનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. જેના ખુબ સારા પરિણામો મળ્યાં છે. દેશી ગાય રાખનાર ખેડૂતોને રાજય સરકારની યોજના હેઠળ દર મહિને રૂ. 900ની સહાય આપવામાં આવે છે. રાજ્યપાલએ ખેડૂતોને એફ.પી.ઓ. બનાવી પોતાની ખેતપેદાશોનો માલ સીધો જ બજારમાં વેચવા પણ જણાવ્યું હતું.