પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા વિધાનસભામાં ભાજપ સાથે છેડો ફાડીને અપક્ષમાં ચૂંટણી લડતા ભાજપે આજીવન સભ્યપદેથી માવજી દેસાઇને સસ્પેન્ડ કરેલ પરંતુ માવજી દેસાઇની જીત થતાં માવજી દેસાઇએ ટેકો ભાજપને જાહેર કરેલ પરંતુ ભાજપના સ્થાપના દિવસે મોરીયામાં યોજાયેલા કાર્યક્રમમાં માવજી દેસાઇ ખેસ પહેરીને દિગ્ગજો સાથે રહેતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ધાનેરા વિધાનસભામાં ભાજપ દ્વારા ભગવાનભાઇ પટેલને ટિકિટ આપતા માવજી દેસાઇએ ઉમેદવારી અપક્ષમાં નોંધાવતા ભાજપ દ્વારા આજીવન સભ્યપદેથી દુર કરવામાં આવ્યા હતા.
હાલમાં જ્યારે ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી આવી છે ત્યારે માવજી દેસાઇ અસ્તિત્વ બચાવવા માટે ભાજપના દરેક કાર્યક્રમમાં ભજાપના ખેસ પહેરીને પહોંચી જાય છે. પરંતુ ભાજપ સ્થાપના દિવસે જીલ્લાના ભાજપના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરીને સ્ટેજ ઉપર બેસતા ધાનેરા ના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.
કાર્યકર્તાએ નામ ના આપવાની શરતે જણાવેલ કે જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરવા જતા ત્યારે આ લોકોની ગાળો ખાધી છે તેમજ ભાજપને નુકસાન કરવા છતાં જો આવા આજીવન સસ્પેન્ડ કરેલા લોકોને આગળ બેસાડવામાં આવતા હોય તો બીજા લોકો પણ આગામી સમયમાં બળવા કરશે અને તે પાછા માફી માંગીને આવી જશે.આ બાબતે 200 કાર્યકર્તાઓ સહી કરી પ્રધાનમંત્રીને રજૂઆત કરશે.
સત્તાવાર રીતે ભાજપમાં લીધેલા નથી
માવજી દેસાઈએ બળવો કરીને અપક્ષમાં ઉભા રહ્યા હતા અને તેઓની જીત થતાં જાતે સમર્થન આપ્યુ હતુ. મોરીયા ખાતે પણ તેઓએ ભાજપને સમર્થન આપેલ હોવાથી તેઓ આવ્યા હતા પરંતુ હજુ સુધી માવજી દેસાઇને સત્તાવાર રીતે ભાજપમાં લેવામાં આવ્યા નથી.- કિર્તિસિંહ વાઘેલા (જિલ્લા ભાજપ પ્રમુખ)