Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા શહેર-તાલુકાના 62 ગામોને 6 હેડવર્ક ટાંકીથી 4 કરોડ લિટર પાણી આપવાનું શરૂ

0 144

ધાનેરા વિસ્તારની પીવાના પાણીની સમસ્યા દૂર કરવા 6 ડિસેમ્બર-2020ના રોજ રૂ.241.34 કરોડના ખર્ચે સીપુ જૂથ યોજનામાં નર્મદાના નીર ઠાલવવા માટે ખાતમુહૂર્ત કરાયું હતું. 2 વર્ષ થતાં આ કામગીરી પૂર્ણ થતા લાઇન ટેસ્ટીંગ માટે પાણી શરૂ કરાયુ છે. 1 જાન્યુઆરીથી 62 ગામડાઓ અને ધાનેરા શહેરને રોજનું 4 કરોડ લીટર ફિલ્ટર પીવાનું પાણી આપવા માટે પાણી પુરવઠાની ટીમ દ્વારા કામગીરી શરૂ કરતાં ધાનેરા શહેરના લોકોને હવે પિવાલાયક પાણી મળી રહ્યું છે.

ધાનેરા તાલુકાને સિપુ યોજનાનું પાણી આપવામાં આવે છે પરંતુ વરસાદ ન થતાં આ વર્ષે ડેમ ખાલી રહેતા આ ગામડાઓને પીવાના પાણીના ફાંફા પડતા હતા. જેથી સરકાર દ્વારા આ તાલુકાના ગામડાઓને પીવાના પાણી મળી રહે તે માટે કેન્દ્ર સરકારની જળ જીવન મિશન યોજના હેઠળ ધાનેરા તથા દાંતીવાડા તાલુકાના ગામડાઓને ફિલ્ટર પીવાના પાણી મળે તે માટે 241.34 કરોડના ખર્ચે ખાસ યોજના બનાવવામાં આવી છે.

જેમાં નર્મદાની મુખ્ય કેનાલ એટલે થરાદ તાલુકાના ભાપી ગામથી પાઇપ લાઇન દ્વારા થરાદના ખેંગારપુરા ગામે પાણી લાવવામાં આવ્યું અને ત્યાં પ્લાન્ટમાં પાણી ફિલ્ટર કરીને આ ફિલ્ટર પાણીને પાઇપલાઇન મારફત ધાનેરા તાલુકાના સરાલ (વિડ) ગામે મોટા હોઝ બનાવી સ્ટોરેજ કરવામાં આવશે અને ત્યાંથી સામરવાડા, ખીંમત, જડીયા અને વિઠોદર ખાતેના સંપોમાં નાંખીને તમામ ગામડાઓને પાણી પુરુ પાડવામાં આવી રહ્યું છે.

1 થી આ તાલુકાના 62 ગામડાઓને પિવાનું શુધ્ધ પાણી આપવાની કામગીરી પુરી કરવામાં આવતા ગામડાના લોકોમાં આનંદ છવાયો છે. પાલિકાના 10 બોરો દ્વારા શહેરને 50 લાખ લીટર જેટલુ રોજનું પાણી આપવામાં આવતું હતું અને તે પણ પાણી પિવાલાયક ન હોવા છતાં લોકો પિતા હતા. હવે ધાનેરા શહેરના લોકોને રોજનું 40 લાખ લીટર પીવાનું શુધ્ધ પાણી આપવામાં આવતા પાલિકાને મોટો ફાયદો થવા પામ્યો છે. અને પોતાના 10 બોરનું મેન્ટેન્સ તેમજ વીજબિલમાં પણ છુટકારો મળશે.

નથાભાઇ પટેલ (તત્કાલિન ધારાસભ્ય, ધાનેરા)એ કહ્યું કે આ યોજના ચાલુ થતાં ધાનેરા અને દાંતીવાડા તાલુકાને પીવાનું પાણી મળ્યું એટલે મારું સપનું સાકાર થયું છે અને આ સરકારનો પણ આભાર વ્યક્ત કરુ છું કે મારા મત વિસ્તારને પાણી આપ્યું છે. અર્જુન વાઘેલા (નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વિભાગ, ધાનેરા)એ કહ્યું કે જળ જીવન મિશન યોજના હેઠળ પાણી આપવામાં આવી રહ્યું છે.

Leave A Reply

Your email address will not be published.