ધાનેરામાં બે દિવસથી વરસી રહેલા વરસાદ થી વાસડા ગામમાં વરસાદી પાણી ભરાતા પાણીના નિકાલ માટે રસ્તો તોડવાની જરૂર પડતા કેટલાક લોકો દ્વારા રસ્તો ન તોડવા દેતા તંત્રએ પોલીસને બોલાવી રસ્તો તોડ્યો હતો. જ્યારે ધાનેરાના મોટામેડા ગામે નાળામાં પાણી ભરાતા રસ્તો બંધ થઈ ગયો હતો. ધાનેરા તાલુકાના વાસડા ગામમાં ભરાયેલા વરસાદી પાણીના તાત્કાલિક નિકાલ માટે રસ્તો તોડવાની જરૂર પડતા કેટલાક લોકો દ્વારા આ રસ્તો તોડવા ન દેતા તાલુકા વિકાસ અધિકારી રાજેશ ધનગર તથા માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીઓ દ્વારા પોલીસને બોલાવી હતી અને આ રસ્તો તોડીને પાણીનો નિકાલ કર્યો હતો. જ્યારે બીજી તરફ થાવર થી મોટામેડા ગામ તરફ જવાના માર્ગ ઉપર રેલ્વે દ્વારા નાળુ મૂકવામાં આવેલ છે પરંતુ આ નાળામાં 10 ફૂટ પાણી ભરાઈ જતા મોટામેડા થી ધાનેરા તરફ આવવાનું વાહન વ્યવહાર બંધ થવા પામ્યો હતો અને વાહન ચાલકોને માલોતરા થઈને ધાનેરા આવવા માટે મજબૂર બનવું પડ્યું છે.