- વિવાદ વચ્ચે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરતાં અરજદારે મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી
- સાંજે 6 વાગ્યા સુધી કોઈ લેખિત આદેશ આવ્યો નથી : સિવિલ સર્જન
આરોગ્યકર્મીઓને આઉટ સોર્સિંગથી નોકરી પર રાખવા માટેની Gem પોર્ટલ થયેલી ટેન્ડરિંગ કાર્યવાહી સ્થગિત કરવા રાજ્ય કક્ષાએથી આદેશ કરાયો છે. પાલનપુરના અરજદારે મુખ્યમંત્રીને સીધો ફોન કરી સિવિલની ટેન્ડરિંગ પ્રક્રિયા બાબતે ફરિયાદ કરી હતી.
થોડા દિવસ અગાઉ પાલનપુરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગથી આરોગ્યકર્મીઓને નોકરી પર રાખવા માટેની Gem પોર્ટલ દ્વારા ટેન્ડરિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં લોએસ્ટ વનમાં એકસાથે 12 એજન્સીઓ વચ્ચે બ્લેકલિસ્ટેડ એજન્સીને પણ રાખવામાં આવતા સમગ્ર મામલે સ્થાનિક તંત્રને લેખિત જ્યારે રાજ્ય કક્ષાએ અરજદાર રાહુલ લીંબાચીયાએ મૌખિક ફરિયાદ કરી હતી.
આ અંગેની વિગતો આપતા રાહુલભાઈએ જણાવ્યું હતું કે ” પાલનપુર અને અંબાજી સિવિલમાં બ્લેકલિસ્ટેડ એજન્સીને સાથે રાખી સ્થાનિક તંત્ર દ્વારા ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે સમગ્ર પ્રક્રિયા વિવાદાસ્પદ હતી. જેથી અમે તુરંત મુખ્યમંત્રીના કાર્યાલય ખાતે ફોન કરી પહેલા એમના અંગત સચિવ સાથે એ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વાત કરી સમગ્ર ટેન્ડરિંગ પ્રક્રિયા અંગે ધ્યાન દોર્યું હતું. અમને ખુશી છે કે અમારી રજુઆતને સરકારે ગંભીરતાથી લઈ સમગ્ર પ્રક્રિયા સ્થગિત કરવા આદેશ કર્યો છે. આ નિર્ણયને અમે વધાવીએ છીએ.
બીજીતરફ પાલનપુર સિવિલના સિવિલ સર્જન ડો.ભરત મિસ્ત્રીને સરકારના આદેશ અંગે પૂછતાં તેઓએ શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધી કોઈ લેખિત આદેશ આવ્યો નથી એમ જણાવ્યું હતું.