દેશનું પ્રથમ ‘નીરોગી’ ગામ પીપળી નળ, ગટર, રસ્તા અને સફાઈમાં અવ્વલ, PM મોદી કાલે સંબોધશે, ગામમાં દિવાળી જેવો માહોલ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી 2 ઓક્ટોબરથી શરૂ થનારા સ્વચ્છતા અભિયાન સંદર્ભે યોજાનારી ખાસ ગ્રામસભા માટે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના પીપળી ગામની પસંદગી કરાઈ છે. એ ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધો સંવાદ કરવાના હોવાથી ગામમાં ખુશીનો માહોલ છવાયો છે અને ગામમાં દિવાળી જેવો તહેવાર માની રહ્યા છે. પાલનપુરનું પીપળી ગામ દેશનું પ્રથમ ‘નીરોગી’ ગામ બન્યું છે. નળ, ગટર, રસ્તા અને સફાઇમાં અવ્વલ છે. ગામમાં 100 ટકા શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે, કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પિંગ સાઇટ પણ બનાવવામાં આવી છે તો વળી આ ગામમાં એકપણ ખુલ્લી ગટર નથી, જેથી મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ પણ ગામમાં નહિવત્ જેટલો છે.

આવતીકાલે પ્રધાનમંત્રી સીધો સંવાદ કરશે
2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જયંતી પ્રસંગે જિલ્લાભરમાં સફાઈ અભિયાન સહિત ખાસ ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. એ અંતર્ગત ખાસ ગ્રામસભા માટે પાલનપુર તાલુકાના પીપળી ગામની પસંદગી કરાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત પીપળી ગ્રામપંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે.
અંદાજિત 2500થી વધુની વસતિ ધરાવતું આ પીપળી ગામ સુંદર અને રળિયામણું
વડાપ્રધાન સવારે-11.00 કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે અને એનું જીવંત પ્રસારણ ગ્રામપંચાયતોમાં થશે, એવું આયોજન પંચાયત- ગ્રામવિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. અંદાજિત 2500થી વધુની વસતી ધરાવતું આ પીપળી ગામ સુંદર અને રળિયામણું છે. ગામના સરપંચ રમેશભાઈ પટેલે ગામને સ્વચ્છ સુંદર અને શિક્ષિત બનાવવા માટે અથાગ પ્રયાસો પ્રયાસો કર્યા છે.

ગામમાં દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા
ગામમાં 100 ટકા શૌચાલય, દરેક ઘરે નળ દ્વારા પાણીની વ્યવસ્થા, ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે, કચરાના નિકાલ માટે ત્રણ જગ્યાએ ડમ્પિંગ સાઇટ પણ બનાવવામાં આવી છે તો વળી આ ગામમાં એકપણ ખુલ્લી ગટર નથી, જેથી મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ પણ ગામમાં નહિવત્ જેટલો છે અને એટલે જ કોરોના મહામારી વખતે આ ગામ કોરોનાથી મુક્ત થઈ શક્યું હતું. જે તમામ બાબતોને ધ્યાનમાં લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. પીપળી ગામની પસંદગી થતાં જ અત્યારે ગામમાં ખુશીનો માહોલ છવાયો છે અને સરપંચ અને ગ્રામજનો દ્વારા ગ્રામસભા માટેની વ્યવસ્થા કરવાની તૈયારીઓમાં લાગી ગયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુ વાત કરશે એને લઈને પણ લોકોમાં પણ ભારે ઉત્સુકતા છે.
ગામમાં 100 ટકા શૌચાલય
પીપળી ગામના સરપંચ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે 2 ઓક્ટોબરે અમારા ગામની મોદી સાહેબની સીધા સંવાદ માટેની પસંદગી થઈ છે. અમારા ગામમાં આંતરિક પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી. અગાઉથી એ અમે જલ જીવન થકી વાસમો દ્વારા નવીન પાણી પાઇપલાઈનની વ્યવસ્થા કરી પાણીની સમસ્યામાંથી બહાર નીકળ્યા છીએ. 100 ટકા શૌચાલયયુક્ત અમારું ગામ છે, વેસ્ટ પાણીનું ગટરલાઈન દ્વારા ગામ બહાર નિકાલ કરાય છે, જેથી સ્વચ્છ અને સુંદર અમારું ગામ રહે છે, સફાઈ બાબતમાં અમે પૂર્ણ ધ્યાન રાખીએ છીએ. કચરો ન ભેગો થાય, ગંદકી ના ફેલાઈ, આવાં કારણોસર અમારા ગામની પસંદગી થઈ હોય એવું લાગે છે. વધુમાં સરપંચે જણાવ્યું હતું કે મોદીજી સાથે સીધો સંવાદ થવાનો હોવાથી ખૂબ જ આનંદ અને ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છીએ. અમે અમારા ગામ માટે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ.

ગામમાં ખુશીનો માહોલ
ગામના આગેવાન પરથીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સાહેબ 2 ઓક્ટોબરના દિવસે પીપળી ગામની અંદર વીડિયો-કોન્ફરન્સથી સંવાદ કરશે એ વિચારે અમે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ. આજે અમારા ગામની અંદર સાફસફાઈ સારી છે, સુંદર કામ કરેલું છે. ખરેખર અમારું ગામ મોદી સાહેબે સિલેક્ટ કર્યું છે. મને ખૂબ જ ખુશીની લાગણી છે કે મોદી સાહેબ સાથે સંવાદ કરીએ ત્યારે તેઓ અમને શું કહેશે.
ગ્રામજને જણાવ્યું હતું કે 2 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સાહેબ અમારા ગામ પીપળીનાં ગ્રામજનો સાથે સીધો સંવાદ કરવાના છે, એ માટે અમારા ગામની પસંદગી થઈ છે. અમે ખૂબ જ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. અત્યારે હાલ અમારી ગામની અંદર દિવાળી જેવો માહોલ છે. સાંજના તમામ વ્યક્તિઓ હળીમળીને 2 ઓક્ટોબરના સીધા સંવાદ કાર્યક્રમની તૈયારીઓ કરી રહ્યા છે. વડાપ્રધાન સાથે સીધો સંવાદ કરવાની જે તક મળી છે એ બદલ મોદી સાહેબના ખૂબ આભારી છીએ.
વધુમાં ગ્રામજને જણાવ્યું હતું કે અમારા ગામની અંદર નલસે જલ યોજના અંતર્ગત તમામેતમામ કુટુંબોને સમયસર બે ટાઈમ પાણી મળે છે. અમારા ગામની અંદર નલસે જલ યોજના અંતર્ગત ઇલેક્ટ્રિક બિલમાં બચત થઈ છે. અગાઉના સમયની અંદર મોટર દ્વારા પાણી ખેંચવું પડતું હતું, જેને કારણે વીજબિલ વધુ આવતું હતું, એ અત્યારે નલસે જલ યોજનાના કારણે એમાં ખૂબ જ બચત થઈ છે. મારું ગામ સંપૂર્ણ નીરોગી છે, વેક્સિનેશનમાં અગ્રેસર છે, સાથે સાથે મારા ગામની અંદર સંપૂર્ણપણે સ્વચ્છતા છે, કોઈપણ પાણીનો બગાડ થતો નથી.