- કાચા દબાણો હટાવાયા,પાકા દબાણો ઉપર રહેમ નજરનો આક્ષેપ
વડગામ તાલુકાના મેતા ગામે બુધવાર સવારે પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા ગામના 20 જેટલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે દબાણોમાં ગરીબોના દબાણો ઉપર જેસીબી ફેરવવામાં આવ્યું હતું. જ્યારે વગદારોના દબાણો ઉપર તંત્રની રહેમ નજર હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો.
મેતા ગામે ગ્રામ પંચાયતના સરપંચ યોગેન્દ્રભાઈ સોલંકી, તલાટી આશિષ ચૌધરી, તાલુકા પંચાયતના ના.ટીડીઓ જેઠાભાઇ, વિસ્તરણ અધિકારી ભરતભાઇ પટેલ, ગામના અરજદાર યુનુસ ગુ.રસુલ પટેલ દ્વારા દબાણોને લઇ લેખિત રજૂઆતો કરાતાં બુધવારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પંચાયતની સામે આવેલ હોટલ સહિતની દુકાનો આગળ લોખંડના શેડ બનાવવામાં આવ્યા હતા. જેને હટાવવા સહિત ઈન્દિરાનગરમાં આવેલ એક ગરીબના આસિયાનાની સીડી જેસીબી દ્વારા તોડી પાડવામાં આવી હતી.
બોસ્તાન સ્કૂલમાં દબાણ કરી લોખંડની જાળી નાખવામાં આવી હતી તેને પણ તોડી પાડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ દિવસભર દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મેતા ગામમાં કુલ 20 જેટલા કાચા દબાણો ધ્વસ્ત કરવામાં આવ્યા હતા.
દબાણોને લઈ તંત્રની બેવડી નીતિ
મેતા ગામે વીસ જેટલા દબાણો તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા. જેમાં ગરીબોના કાચા દબાણો ઉપર તંત્રએ સખત કામગીરી કરી હતી. જોકે પાકા દબાણો ઉપર તંત્રની રહેમ નજર હોવાનો આક્ષેપ થવા પામ્યો હતો.