- 33 ફૂટના રસ્તા પર દબાણ કરી દેતા ખેડૂતોને ટ્રેકટર સહિતના વાહનો ચલાવવા મુશ્કેલ
- રસ્તો ખુલ્લો કરવામાં નહિ આવે તો કલેક્ટર કચેરીએ ધરણાં પર બેસવાની ચીમકી
ડીસા શહેરના વેલુંનગરથી અજાપુરા ગામમાં જવાનો મુખ્ય રસ્તો વર્ષોથી 33 ફૂટનો હતો. જે રસ્તાને બિલ્ડરોએ દબાણ કરી સાંકડો કરી દેતા દીવાલનું કામ અટકાવી તાત્કાલિક દબાણ ખુલ્લું કરાવવા કલેકટર સમક્ષ રજૂઆત કરી છે. ડીસા શહેરના વેલુંનગરથી અજાપુરા જવાનો મુખ્ય રસ્તો રાજપુર કસ્બા તલાટી સમયથી 33 ફૂટનો માર્ગ રેકર્ડ પર છે અને આ રસ્તા પર અનેક સોસાયટીઓ આવેલી છે.
ત્યાં સુધી ડીસા નગરપાલિકાએ 33 ફૂટનો રોડ પણ બનાવેલ છે પરંતુ આગળ ખેતરોમાં જવાના મુખ્ય રસ્તા પર હમણાં જ કેટલાક બિલ્ડરોએ ખેતીની જમીનો લઇને પ્લોટ પાડવાનું કામ શરૂ કરેલ છે અને જે બિલ્ડરએ આ 33 ફૂટના રસ્તા પર દબાણ કરી 10 ફૂટ કરી દેતા અજાપુરા જતા ખેડૂતોને ટ્રેકટર સહિત અન્ય વાહન ચલાવવા પણ મુશ્કેલ બન્યા છે.
બિલ્ડર દ્વારા દબાણ કરી કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરતાં સ્થાનિકો રહીશો તેમજ ખેડૂતોએ કામ અટકાવી દેવામાં આવ્યું હતું. આથી બિલ્ડર દ્વારા ખેડૂતોને ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો રોષે ભરાયા હતા અને જિલ્લા કલેકટર કચેરી આગળ ભૂખ હડતાળ પર બેસવાની ચીમકી આપી હતી. ખેડૂત મુકેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં નહિ આવે તો અમે ખેડૂતો કલેકટર કચેરીએ ધરણા કરીશું.’