સાયન્સ કોલેજમાં પાટણ યુનિ.ના કુલપતિની ઓચિંતી તપાસ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ડીસાની પી.ટી.પટેલ સાયન્સ કોલેજમાં કુલપતિ દ્વારા શુક્રવારે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન અનેક ઉણપો જણાતાં કોલેજને આગામી તા.4 ઓકટોબર સુધી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે.
સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ડીસા સંચાલિત પરાગભાઇ ત્ર્યંબકલાલ પટેલ સાયન્સ કોલેજને તાજેતરમાં જ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંજૂર કરી છે. ત્યારે સાયન્સ કોલેજમાં શૈક્ષણિક કાર્ય યુનિવર્સિટીના નીતિ નિયમ મુજબ ચાલે છે કે નહી, વિદ્યાર્થીઓ માટે લેબોરેટરી તેમજ જરૂરી સુવિધાઓ કોલેજ દ્વારા ઉભી કરાઇ છે કે નહી તે અંગે શુક્રવારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જે.જે.વોરા તેમજ યુનિવર્સિટીના યુવા કારોબારી સદસ્ય હરેશભાઇ ચૌધરીએ કોલેજના નિયામક છગનલાલ પટેલ, કોલેજના આચાર્ય રાજુભાઇ દેસાઇ તેમજ સાયન્સ કોલેજના આચાર્ય ડૉ.આનંદભાઇ સોનીને સાથે રાખી ડીસા સાયન્સ કોલેજની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી.
જે દરમિયાન સાયન્સ કોલેજમાં લેબ સહિત અનેક સુવિધાઓનો અભાવ જણાતાં આગામી તા.4 ઓકટોબર સુધીમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી અને જો સમય મર્યાદામાં સુવિધાઓ નહી થાય તો યુનિવર્સિટી દ્વારા પગલાં લેવાની પણ સુચના આપી હતી. વિઝીટ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી તેઓને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી.અન્ય સમાચારો પણ છે…