રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાના થાવર ગામમાં દબાણને લઈ તંત્ર દ્વારા ઘર પાડી દેતા છેલ્લા છ દિવસથી પરિવારો બેઘર થયા છે. જેને લઈ પીડિતોએ જિલ્લા કલેકટર કચેર પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. શિયાળો હોવાથી ઘર વગર રહેવું મુશ્કેલ બન્યું છે, સત્વરે પ્લોટ ફાળવી રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ પીડિતોએ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના થાવર ગામના તંત્ર દ્વારા છ દિવસ અગાઉ દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાંકેટલાક ઈન્દીરા આવાસ અને સરદાર આવાસ યોજના હેઠળ ઘર તોડી પાડતા પરિવારો રોડ ઉપર આવી ગયા છે. પીડિતો જિલ્લા કલેકટર કચેરી પહોંચા હતા. પીડિતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, શિયાળાની કડકડતી ઠંડીમાં ઘર વગર નાના બાળકો તેમજ પરિવારોને રહેવાનું મુશ્કેલ બની રહ્યું છે. સત્વરે સરકાર પ્લોટ ફાળવી રહેવાની વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરી હતી.

પીડિતોએ કલેકટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 50 વર્ષ અગાઉ વસવાટ કરીએ છીએ અને તાજેતરમાં અમારા ઘરો પંચાયત દ્વારા દબાણ રજીસ્ટરમાં લઈ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. હાલમાં અમારી પાસે કોઈ રહેવા લાયક મકાન કે અન્ય કોઈ જગ્યા નથી. અમારા જુના મકાન પર ઈન્દીરા આવાસ, સરદાર આવાસ યોજના હેઠળ સરકારની સહાયનો લાભ લઈ મકાન બનાવેલ હતા જે દબાણ ગણી તોડી પાડવામાં આવેલ છે. હાલમાં અમે ઘર વિહોણા બની ગયા છીએ. અમારે રહેવા માટે કોઈ અન્ય જમીન કે ખેતીની જમીન પણ આવેલ નથી. જેથી હાલમાં અમે ઉપર આભ અને નીચે ધરતીના સહારે જીવી રહ્યા છીએ.વધુમાં જણાવ્યું કે, હાલમાં શિયાળો હોવાથી નાના નાના બાળકોને તેમજ અમારા પરિવારને રહેવા માટે ખુબજ તકલીફ પડી રહી છે. અમે છેલ્લા 50 વર્ષથી થાવર ગામમાં જ રહીએ છીએ અને અમારૂ ગામ છોડી જઈ શકીએ તેમ પણ નથી કારણ કે અમો ખુબજ ગરીબ અને મજુરી વર્ગના માણસો છીએ. જેથી સરકાર સત્વરે પ્લોટ ફાળવી રહેવાની વ્યવસ્થા કરે તેવી માંગ છે.થાવર ગામના અગ્રણી નારણભાઈ પટેલે જણાવ્યું હતું કે, થાવર ગામમાંથી અમારા ગામમાં 15 અને 16 તારીખે દબાણનો કાર્યક્રમ રાખેલ હતો તેમાં અમારા ગામમાંથી 30 જેટલા મકાનો તોડી પાડ્યા હતા તો આજે અમે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ એમને આ લોકોને બીજી હાલ કોઈ વ્યવસ્થા નથી એમને રહેવા માટે ખાલી જમીન અને ઉપર આકાશ છે તો એક વ્યવસ્થા એમને તાત્કાલિક કરી આપે અને બીજું કે એમને જે પ્લોટ જ જે જગ્યા છે એમના ઉપર કલેક્ટર સાહેબને થોડો રસ લઈ પ્લોટ ફાળવી આપે તો ગરીબ લોકો તેમાં રહી શેકે, એમને રહેવા માટે બીજી કોઈ વ્યવસ્થા જ નથી.