પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં શનિવારે રાત્રે પડેલા ભારે વરસાદને લઇ વીંછીવાડી ગામે ખેતરોમાં પાણી ભરાયા હતા. ત્યારે ત્રણ યુવકો ખેતરમાં ભરાયેલા પાણીમાં રવિવારે સવારે નાહવા પડ્યા હતા. જેમાં બે યુવકો પાણીમાંથી બહાર નીકળી ગયા હતા જ્યારે એક યુવક ભરાયેલ પાણીના ઊંડા ખાડામાં પડી જતાં તેનું મોત નિપજ્યું હતું. ધાનેરા તાલુકાના વીંછીવાડી ગામે ખેતરમાં પાણી ભરાયું હતું. જેમાં રવિવારે ત્રણ યુવકો નાહવા પડ્યા હતા. જેમાં બે યુવકો બહાર નીકળી શક્યા હતા. જ્યારે એક યુવક ભરાયેલ પાણીના ઊંડા ખાડામાં પડી જતા તેને બચાવવા માટે લોકોએ વહિવટી તંત્રને જાણ કરતા એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તળાવમાંથી યુવકને કાઢી તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલમાં લવાયો હતો. પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં ધાનેરા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ, ઇએમઓ ડો. જીગ્નેશ હરિયાણી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી.પટેલ પણ સરકારી હોસ્પિટલમાં હાજર રહી મૃતકના પરિવારને આશ્વાસન આપ્યું હતું અને મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી લાશને તેના પરિવારજનોને સુપ્રત કરી હતી. તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ ગામના તલાટીઓ તેમજ આગેવાનોને જાણ કરવામાં આવી હતી કે જ્યાં-જ્યાં તળાવો ભરાયા છે તેમાં કોઈ નાહવા ન પડે તેની પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી.