પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
નદીમાં બે ગાડી તણાતાં NDRFએ સાત લોકોને બચાવ્યાં, એકનું મોત
ધાનેરા પંથકમાં શનિવારની રાત્રિએ બીપરજોય વાવાઝોડાથી વ્યાપક નૂકશાન સાથે જાનહાની ની ઘટના બની હતી. જ્યાં આલવાડા અને બાપલા ગામ વચ્ચે વ્હોળાના પાણીમાં બે ગાડી ફસાઇ હતી. જેમાં એક ચાલક પાણીમાં ઉતરી જતાં મોત થયું હતુ. જોકે, સાત મુસાફરોને બચાવી લેવાયા હતા. વીંછીવાડી તળાવમાં પડેલા યુવકને એન. ડી. આર. એફ.ની ટીમે બચાવ્યો હતો. જ્યારે ચારડા ગામે 5 ગાયોના મોત, 25 ઘેટા બકરા તણાયા, 40પરિવારના ઘરોમાં પાણી ફરી વળ્યુ હતુ. ધાનેરાના આલવાડા ગામ પાસે મુખ્ય રોડ ઉપર પસાર થતી નદીના વહેણમાં રાજસ્થાનથી ડીસા તરફ જતી બોલેરો ગાડી અને બીજી ઇક્કો ગાડી ફસાઇ હતી. જ્યાં ઇકો ગાડીના ચાલક ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરના ભાણેજ રવિભાઇ ઠક્કર પાણીમાં કુદી પડતાં તણાઇ ગયા હતા. ધાનેરા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, મામલતદાર અને એનડીઆરએફની ટીમે રેસ્કયું કરી બંને વાહનમાં રહેલા સાત મુસાફરોને બચાવી લીધા હતા. દરમિયાન પાણીમાં તણાયેલા યુવકનો મૃતદેહ રવિવારે મળી આવ્યો હતો. વાવાઝોડાએ બનાસકાંઠાને વેરવિખેર કરી નાખ્યો છે. સૌથી વધુ પ્રભાવિત થયું હોય તો તે ધાનેરા તાલુકાનું જડીયા ગામ છે. શનિવારે રાત્રે 12-00 વાગે વ્હોળાના પાણી ફરી વળતા ગામમાં વિનાશ વેર્યો હતો. પાણી અચાનક આવવાથી ગામના લોકો મધરાતે ઉંઘતા હતા. વ્હોળા પાણી ધસમસતા આવી જતાં ઘરોની અંદર જતાં અનેક મકાનો મોટું નુકસાન પહોચાડ્યું હતું તેમજ સામાન પણ પલળી ગયો છે.