રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. જેથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે જિલ્લાના ધાનેરા તાલુકાના જડિયા ગામમાં વરસાદે તારાજી સર્જી હોય તેવા દૃશ્યો સામે આવ્યાં છે. ગત રાતે ગામલોકો મીઠી નીંદર માણી રહ્યા હતા, તે દરમિયાન અચાનક જ રેલ નદીના પાણી જડિયા ગામમાં ઘૂસી ગયા હતા. જેથી ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામના અનેક મકાનોની દિવાલો તોડીને પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. તેમજ ખેતરો બેટમાં ફેરવાય ગયા હતા. લોકોની રોકડ રકમ તેમજ સરસામાન તણાઈ ગયો છે આજે સવારે ગામ હતુ ન હતું જેવી પરિસ્થિતી ઉભી થઈ હતી . ધાનેરા તાલુકાને ફરી એક વાર 2015-2017ના પૂરની યાદ આવી ગઈ છે. ગઈકાલે મધરાતે ધાનેરા તાલુકાના જડિયા ગામે નદીના પાણી ઘૂસ્યા હતા. જેને લઈ સમગ્ર ગામમાં તબાહી મચી ગઈ હતી. અનેક લોકો મકાન વિહોણા થયા છે તો અનેક પશુઓના મોત થયા છે. રોડ તૂટવાથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીઓ વેઠવવી પડી રહી છે. ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. લોકોના દાગીના અને રોકડ પણ પાણીમાં તણાય ગયા છે. જડિયા ગામના લોકો પાસે અત્યારે આંખોમાં આંસુ અને મદદની અપેક્ષા સિવાય કંઈ નથી.
આખું ગામ કાદવ કિચડથી ભરાયેલું

બિપોરજોય વાવાઝોડાની અસરને પગલે બનાસકાંઠાને વેરવિખેર કરી નાખ્યો છે. જિલ્લાભરમાં અનેક પ્રકારનું નુકસાન થયું છે. ત્યારે સૌથી વધુ પ્રભાવિત થયું છે ધાનેરા તાલુકાનું જડિયા ગામ કે, જ્યાં રાત્રે 12:00 વાગે નદીના પાણી ઘૂસ્યા હતા અને ગામમાં વિનાશ કરી નાખ્યું હતું. પાણી ઘૂસવાની સાથે જ જડિયા ગામના ખેતરો બેટમાં ફેરવાયા હતા. આખું ગામ કાદવ કિચડથી ભરાયેલું છે. ગામની દુકાનોમાં, શાળા કે દૂધ મંડળી પણ અનેક પ્રકારનું નુકસાન થયું છે. જડિયા ગામમાં અનેક પશુઓના મોત પણ થયા છે. તેમજ ખેતરો ધોવાઈ જતા ખેડૂતોને ખુબ નુકસાન પહોંચ્યું છે. છેલ્લા બે દિવસથી જડિયા ગામમાં વીજ પૂરવઠો પણ ખોરવાય ગયો છે. અનેક વીજપોલ ધરાશાયી થયા છે.
બાળકોને છાપરા પર ચડાવી દીધા
મધરાતે ગામ લોકો ઉંઘી રહ્યા હતા અને ધસમસતા નદીના પાણી ગામમાં ઘૂસી આવ્યાં. મકાનની દિવાલ તોડી અને અંદર પાણી ઘૂસી ગયા હતા. જેથી ગ્રામજનો સફાળા જાગી અને પહેલા પોતાના બાળકોને છાપરા પર ચડાવી દીધા હતા. જેથી તેઓનો બચાવ થયો હતો, પરંતુ ઘરમાં રહેલું અનાજ પલળી ગયું હતું. વાડામાં બાંધેલા પશુઓના મોત થઈ ગયા હતા. ઘરનો સામાન પણ પાણીમાં તણાયો હતો. જોત જોતામાં અનેક મકાનોમાં મોટુ નુકસાન પહોંચી ગયુ હતું. અત્યારે પરિસ્થિતિ એ છે કે ઘરમાં પાણી ભરેલું હોવાથી ઘર હોવા છતાં લોકો ઘરની બહાર રહેવા મજબૂર બન્યા છે. માત્ર આંસુ સિવાય લોકો પાસે કઈ નથી અને આંખમાં આંસુ સાથે તેઓ સરકાર પાસે મદદ માગી રહ્યા છે.
જડિયા ગામમાં તબાહી મચી

રેલ નદીના પાણીએ જડિયા ગામમાં તારાજી સર્જી નાખી હતી. અનેક જગ્યાએ મકાનો પડી ગયા છે તો છાપરા જે છે એ પાણીમાં તણાયા છે. રોકડ રકમ પણ પાણીમાં તણાઈ ગઈ છે. ભારે વરસાદ બાદ નદીના પણી જડિયા ગામમાં ઘૂસી આવતા તબાહી મચાવી દીધી હતી. લોકોની વેદના એ છે કે, અત્યારે તેમની પાસે ખાવા માટે અનાજ નથી અને રોકડ પાણીમાં તણાઈ જવાથી તેમની પાસે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી. ત્યારે રોતી આંખે તંત્ર પાસે મદદની અપેક્ષા લોકો કરી રહ્યા છે.
