ફરિયાદ: ચોરા ડેરીમાં ભ્રષ્ટાચાર બાબતે રજિસ્ટાર મંડળીમાં ફરિયાદ, મંત્રી તેમજ ચેરમેન દ્વારા સગાવાદ ચલાવાયા છે
રીપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ડીસા તાલુકાના ચોરા ગામની દૂધ મંડળીમાં સગાવાદ ચલાવી ગેરરીતી આચરી હોવાના આક્ષેપો ગામના નાગરીક દ્વારા રજીસ્ટાર તેમજ બનાસડેરીમાં કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન અરજદાર દ્વારા જણાવાયું કે ચૂંટણીની ખોટી અદાવતો રાખીને મંડળી બંધ કરાવવાના પેતરા રચીને ગ્રાહકોને હેરાન કરવાની વાત છે. ચોરા ગામે દૂધ મડળીમાં ગામના 400 જેટલા ગ્રાહકો પોતાનું દૂધ ભરાવી રહ્યા છે. જેમાં રોજનું 6000 લીટર જેટલું દૂધ પણ આવી રહ્યું છે. ત્યારે ગામના જ ગણપતભાઇ મફાભાઇ રબારીએ ડેરીના મંત્રી રાણાભાઇ દાંનાભાઇ લોઢા તથા ચેરમેન રાણાભાઇ જવેરભાઇ લોઢા(રબારી) દ્વારા સગાવાદ ચલાવીને મંડળીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાની જીલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ, પાલનપુર તથા ચેરમેન બનાસડેરીને 15 મુદ્દાઓ ટાંકીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા ચોરા ગામમાં ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે. આ બાબતે દૂધ ગ્રાહકો મંત્રી અને અરજદારના અંગત અદાવતમાં આ અરજી કરી હોવાનું જણાવી રહ્યા છે. આ બાબતે દૂધ મંડળીના ચેરમેન રાણાભાઇ રબારીએ જણાવ્યું હતું કે ‘આ વિવાદ સરપંચની ચૂંટણીનો છે અને અરજદાર તે અદાવત રાખીને દૂધ મડળી બાબતે ખોટી-ખોટી અરજી કરી રહ્યા છે અને દૂધ મંડળી બંધ કરાવવા દોડી રહ્યા છે. આ બાબતે અમોએ બનાસડેરી તેમજ રજીસ્ટારમાંથી પણ જાતે બોલાવીને આ વિગતો બાબતે તપાસ કરાવી છે તેમ છતાં આ અરજીઓ ચાલુ રાખીને ખોટી રીતે ગ્રાહકોને હેરાન કરી રહ્યા છે.