પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના શેરગઢ ગ્રામ પંચાયતમાં આવતા ત્રણ ગામોમાં સિંચાઇ વિભાગ દ્વારા અગાઉથી ઉંડા થયેલ તળાવોનું સર્વે કરી તળાવ ઉંડા કર્યાની કામગીરી પૂર્ણ કરી નાખી છે. ધાનેરા તાલુકાના ધરણોધર, શેરગઢ અને રામપુરા છોટા ગામમાં આવેલા તળાવો રાતોરાત ઉંડા કરી કામ પૂરું કરી દેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્રણે ગામોમાં તળાવો ઉંડા કરવાની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્રણે ગામોમાં આવેલા તળાવોને ઉંડા કરવા માટે મનરેગા યોજના અંતર્ગત કામ ચાલી રહ્યું છે. છતાં પણ માત્ર દેખાવ પૂરતું કામ કરી સિંચાઇ વિભાગ ગેરરીતિ કરી રહી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. જે મામલે ગ્રામજનો તપાસની માંગ સાથે કરી છે. આ અંગે ગ્રામજન પ્રેમાભાઇએ જણાવ્યું હતું કે, ધાનેરા તાલુકાના શેરગઢ ગ્રામ પંચાયતના ત્રણ ગામોમાં તળાવ ઉંડા થઇ ગયા છે. જો કે સરપંચ કે તલાટીને ખબર પણ નથી. આ બાબતે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ કામગીરીનું કોઈ ચુકવણું જ થયું નથી તો ભ્રષ્ટાચાર કેવી રીતે થયો, ખોટી રીતે સિંચાઈ વિભાગને બદનામ કરવામાં આવી રહ્યો છે.’