સાંતલપુર વિસ્તારમાં 13 વર્ષની સગીરાના બાળલગ્ન કરાવવા મુદ્દે 3 સામે ફરિયાદ:બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો નોંધાયો
અલ્પેશ શ્રીમાળી પાટણ
પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાં ગત મંગળવારે 13 વર્ષની સગીરાના બાળ લગ્ન કરાવવામાં મામલે સગીરાની માતા, સાસુ અને લગ્ન કરનાર પતિ સામે બાળલગ્ન પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.સાંતલપુર વિસ્તારમાં 13 વર્ષની નાની વયની સગીરાના બાળલગ્ન કરાવવા મુદ્દે 3 સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
સાંતલપુર તાલુકામાં ગત મંગળવારે 13 વર્ષની સગીર વયની કન્યાના લગ્ન કરવામાં આવતા હોવાની જાણ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી. ત્યારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સમાજ સુરક્ષા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.ત્યારે તંત્ર પહોંચે તે પહેલાં જ સ્થળ પર લગ્ન યોજાઈ ગયા હતા. અને લગ્ન બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવતા લગ્નમાં કન્યાની ઉંમર 13 વર્ષની સગીર જણાતા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સુરેશ વાગદોડા સહ સમાજ સુરક્ષા અધિકારી સગીરાની માતા રાઠોડ સંતોકબેન તેમજ લગ્ન કરનાર પતિ પરમાર જયેશભાઇ તેમજ સગીરાની સાસુ પરમાર જમનાબેન એમ ત્રણ સામે સાંતલપુર પોલીસ મથકમાં બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો. બાળ લગ્ન કરાવ્યા હોવાની તંત્રને જાણ થતા સમાજ સુરક્ષા અધિકારીએ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બાળલગ્ન પ્રતિબંધક ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.