રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં નવગ્રહ સોસાયટીમાં તબીબના ઘરમાં બુધવારે બપોરના સમયે એક શખસ ચપ્પા સાથે ઘરમાં ઘુસી તબીબની પત્નીના ગળામાંથી મંગળસૂત્ર તફડાવી ફરાર થઇ રહ્યો હતો. તે સમયે તબીબની પત્નીએ શખસને પકડતાં શખસે તબીબની પત્નીને હાથમાં બચકું ભરતાં બૂમો પાડતાં આજુબાજુના લોકોએ દોડી આવી શખસને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપાતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે સમગ્ર શહેરમાં ચકચાર જગાવી છે.

મળતી વિગત મુજબ ધાનેરામાં નવગ્રહ સોસાયટીમાં રહેતા તબીબ ડો.યોગેશભાઈ શર્માના ઘરે બુધવારે તેમનાં ધર્મપત્નિ સુદેશ બેન એકલા હતા. ઘરનો મુખ્ય દરવાજો ખોલતાની સાથે એક શખ્સ ઘરમાં બળજબરીપૂર્વક ઘૂસ્યો હતો. અને મહિલાનાં ગળામાંથી મંગળસૂત્ર તફડાવી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તબીબ પત્નીએ તેને પકડી લીધો હતો. જે મહિલાના હાથ પર બચકું ભરી છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ બૂમાબૂમ કરતાં આજુબાજુ રહેતા પાડોશીઓ દોડી આવી શખસને પકડી પાડ્યો હતો.
લૂંટ, ચોરી અને હુમલાના ઇરાદા સાથે આવેલા શખસના મોંઢામાં બ્લેડની સાથે ચાકુ પણ હતું. ધાનેરા પોલીસને જાણ કરાતાં ધાનેરા પોલીસએ દોડી આવી શખસને પકડી ધાનેરા પોલીસ મથકે લઇ જવાયો હતો. આ બનાવના એક કલાક પહેલા પૂર્વ ધારાસભ્યના પુત્ર રમેશભાઈ નાથાભાઇ પટેલના ઘરે પણ દરવાજો ખોલવાની કોશિષ કરી હતી પરંતુ રમેશભાઈ હાજર હોઇ તેને ધક્કો મારી કાઢી મુક્યો હતો.આ બનાવ શહેરમાં ચકચાર જગાવી હતી.