બનાસકાંઠા એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ડીસાના દામા ગામ પાસેથી દારૂ ભરેલી ઈકો ગાડી સાથે ચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, બિયર, મોબાઈલ અને ઈકો ગાડી સહિત રૂ. 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબીની ટીમ ડીસાના ઝેરડા કંસારી રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક ઈકો ગાડી શંકાસ્પદ લાગતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેના ચાલકે ગાડી ભગાડતાં એલસીબીની ટીમે તેનો ફિલ્મી ઢબે પીછો કરી દામા નજીકથી ગાડીને ઝડપી પાડી હતી. ગાડીમાં તપાસ કરતા દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ, બિયર, મોબાઈલ ફોન અને ઈકો ગાડી સહિત રૂ. 3.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ ગાડી ચાલક મનોજ રબારીની અટકાયત કરી પૂછપરછ કરતાં તે આ દારૂનો જથ્થો રાજસ્થાનના જેતાવાડા ગામના દારૂના ઠેકા ઉપરથી ભરીને લાવ્યો હોવાનું જણાવતાં પોલીસે દારૂ ભરાવનારા ઠેકાના માલિક અને બાઈવાડા ગામના હિતેશ રબારી સહિત બે લોકો સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ ધરી છે.