સ્વામિનારાયણ ગુરૂકુલ-વેડરોડ ખાતે યુવા પેઢીને તમાકુના દુષ્પરિણામોની સમજ આપતો જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
સુરત:મંગળવાર: તા.૩૧મી મે-વિશ્વ ટોબેકો નિષેધ દિવસે વેડરોડ સ્વામિનારાયણ ગુરૂકુલમાં “હાય રે તમાકુ ! મેં તને રાખી, તે મને ન રાખ્યો!?’ વિષય પર યુવા પેઢીને તમાકુના દુષ્પરિણામોની સમજ આપતો જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. આસી.પોલીસ કમિશનરશ્રી આર.આર.આહીરની તેમજ સંતોની ઉપસ્થિતિમાં બીડી, સિગારેટ, તમાકુ, ગુટખા, માવા વગેરેના સેવનથી માણસને અગ્નિદાહ દેવો પડે તે પહેલા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલમાં બીડી, સિગારેટ, ગુટખાના જથ્થાને અગ્નિદાહ આપી જીવનમાંથી પણ આ દૈત્યને સદાને માટે તિલાંજલિ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ગુરૂકુલના શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, ભારતમાં ૪૪ કરોડ કિલો તમાકુનું ઉત્પાદન થાય છે, અને દેશના ૩૦ કરોડ લોકો તમાકુનું સેવન કરે છે. જેમાં ૬૦ ટકા પુરુષો અને 30 ટકા મહિલાઓ એક યા બીજી રીતે તમાકુનું સેવન કરે છે. વિશ્વમાં દર વર્ષે ત્રણ કરોડ લોકો તમાકુની ઘાતક અસરોથી મોતને ભેટે છે, તે પૈકી દસ ટકા એટલે કે ૩૩ લાખ લોકો તમાકુયુક્ત બીડી, સિગારેટના ધુમ્રપાનથી મૃત્યુને ભેટે છે. દુનિયામાં જેટલા મૃત્યુ થાય છે તેમાં હત્યાથી ૪૦ ગણા, આત્મહત્યાથી ૩૦ ગણા અને ડાયાબિટીસથી ૧૮ ગણા મૃત્યુ તમાકુના સેવનથી થાય છે..