પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ પડતા લોક માતા લડબી નદી સજીવન બનીને વહેવા લાગતા વેડંચાથી હોડા જતા માર્ગ ઉપર લડબી નદીના નાળા પાસેનો એપ્રોચ રોડ ધોવાઈ જતા આ માર્ગ બંધ થઈ જતા આ માર્ગે પાંચ ગામોનો વાહન વ્યવહાર અટવાઈ જવા પામ્યો છે.
પાલનપુર તાલુકાના વેડંચાથી હોડા જતા જતા એપ્રોચ માર્ગ પર લડબી નદી પર નાળુ બનાવવામાં આવેલ છે જે નાળાને અડીને આવેલ એપ્રોચ રોડ તાજેતરના સામાન્ય વરસાદમાં ધોવાઈ ગયો હતો જે બાદ આ માર્ગનું સમાર કામ કરાયું હતું.જેમાં પણ તકલાદી કામ કરાયું હોઈ શુક્રવારે ભારે વરસાદને લઈ લડબી નદીમાં વરસાદી પાણી વહેતુ થતાની સાથે જ લડબી નાળાનો એપ્રોચ રોડ ધોવાઈ જતા ભંગાણ સર્જાયું હતું.જોકે આ નાળાના કામમાં હલકી કક્ષાનુ કામ કરાયુ હોવાના કારણે બે મહિનામાં બે વાર નાળુ ધોવાઈ ગયું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી. નાળુ બન્યાને પ્રથમ ચોમાસામાં જ બીજી વાર ભંગાણ સર્જાતા પાંચ ગામને અને ખેતરોને જોડતો માર્ગ બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.