Publisher Theme
I’m a gamer, always have been.

કોરોના સંક્રમણ અટકાવવા રસીકરણ જ એકમાત્ર અકસીર ઇલાજ છે – કલેકટરશ્રી આનંદ પટેલ

0 9

દાંતા- અમીરગઢ આદિજાતિ તાલુકામાં સો ટકા રસીકરણ પૂર્ણ કરવા
કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સરપંચશ્રીઓની બેઠક યોજાઇ

દાંતા ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં તા. ૩૧ જાન્યુઆરી સુધીમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સુચના અપાઇ

કોરોનાની ત્રીજી લહેરમાં સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા રસીકરણ જ એકમાત્ર અકસીર ઇલાજ છે તેમ દાંતા આદર્શ નિવાસી શાળામાં દાંતા- અમીરગઢ તાલુકાના સરપંચશ્રીઓની બેઠકમાં કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતુ. કલેકટરશ્રીએ દાંતા પ્રાંત કચેરી ખાતે આરોગ્ય વિભાગ સહિત સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ ટ્રાયબલ વિસ્તારના જે ગામોમાં ઓછુ રસીકરણ થયું છે તે ગામના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજી દરેક ગામમાં ૧૦૦ ટકા રસીકરણ કરાવવા પર ભાર મુક્યો હતો. તેમણે નવનિયુક્ત સરપંચશ્રીઓને સંબોધતા જણાવ્યું કે, કોરોનાની ત્રીજી લહેર ખુબ ઝડપથી ફેલાઇ રહી છે. આ લહેરમાં પણ જે લોકોએ રસી નથી લીધી તેવા લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. જેમણે પ્રથમ અને બીજા ડોઝની રસી લીધી છે તેવા લોકો શરદી- ખાંસી કે સામાન્ય તાવ બાદ ચાર-પાંચ દિવસની સારવાર પછી સાજા થઇ જાય છે. તેમણે ઉમેર્યુ કે, બીજી લહેરની ઘાતક અસરો આપણે સૌએ અનુભવી છે ત્યારે પોતાના ગામની સુરક્ષા અને સલામતિ માટે દરેક વ્યક્તિને કોરોના પ્રતિરોધક રસી મુકાવી ગામની સુરક્ષા સુનિશ્વિત કરીએ. પ્રથમ અને બીજી લહેરમાં સરપંચશ્રીઓ અને ગામના આગેવાનોની કામગીરીને બિરદાવતાં કલેકટશ્રીએ કહ્યું કે, મુશ્કેલીના સમયમાં તમે પ્રજાની પડખે ઉભા રહી લોકસેવાનું ખુબ સરસ કામ કર્યુ છે ત્યારે હવે રસીકરણમાં પણ આવો ઉત્સાહ દાખવી સેવાનું કામ કરીએ. તેમણે જણાવ્યું કે, રસીકરણના અભાવે કોઇનું મૃત્યુ થાય તેવી પરિસ્થિતિ ઉભી થાય નહી તે જોવા અનુરોધ કર્યો હતો. દાંતા અને અમીરગઢ તાલુકાની તમામ આશ્રમ શાળાઓમાં ભણતા વિધાર્થીઓને રસી આપી તેમના વાલીઓ પણ બાકી હોય તો તે તમામનું રસીકરણ પૂર્ણ કરવા કલેકટરશ્રીએ જણાવ્યું હતુ. આગામી તા.૨૬ જાન્યુઆરીથી શરૂ કરી તા. ૩૧ જાન્યુઆરી સુધીમાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવા તેમણે અધિકારીઓને સુચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેએ નવનિયુક્ત સરપંચશ્રીઓને અભિનંદન પાઠવી જણાવ્યું કે, કોરોનાની થર્ડ વેવની શરૂઆત થઇ ચુકી છે પરંતુ રસીકરણના લીધે મૃત્યુદરનું પ્રમાણ ઓછું છે એટલે ગામમાં હજી પણ જે લોકોએ રસી નથી લીધી તેમને સમજાવી રસી મુકાવી આપણા પરિવાર અને ગામને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખીએ. તેમણે કહ્યું કે, કોરોનાકાળમાં લોકોની સેવા કરવાની તક મળી છે ત્યારે વધુમાં વધુ રસીકરણ કરી લોકોના જીવ બચાવવા પૂણ્યના કામમાં સહભાગી બનીએ. તેમણે કહ્યું કે, આપણા જિલ્લામાં ૨૩ લાખથી વધુ લોકોએ કોરોના પ્રતિરોધક રસી મુકાવી છે ત્યારે કોઇપણ પ્રકારનો ડર કે ફોબીયા રાખ્યા સિવાય રસી મુકાવીને કોરોના સામેની લડાઇ લડવા ગ્રામજનો સજ્જ બને તે જરૂરી છે.

આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી એમ. બી. ઠાકોર, દાંતા પ્રાંત અધિકારીશ્રી, આર.સી.એચ.ઓ. ર્ડા. જીગ્નેશ હરીયાણી, તાલુકા વિકાસ અધિકારીશ્રી પરમાર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓને સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Reply

Your email address will not be published.