Publisher Theme
I’m a gamer, always have been.

પાલનપુરના બદરપુરાના કૌટિલ્ય વિદ્યાપીઠમાં શાળામાં પાણી પીતો વિદ્યાર્થી પથ્થર વાગવાથી આંખ ગુમાવતો હતો, શાળા દ્વારા કાર્યવાહી ન કરવા બદલ પોલીસ ફરિયાદ

0 63

પાલનપુર તાલુકાના બાદરપુરા (ખો) ગામે આવેલી કૌટિલ્ય વિદ્યાપીઠમાં સપ્તાહ અગાઉ એક છાત્ર સાંજની રિસેસમાં શાળાના પટાંગણમાં પાણી પીવા ગયો હતો. ત્યારે સામસામે પથ્થરબાજીની રમત રમતા કોઇ છાત્રએ બેદકારીપૂર્વક નાખેલો પથ્થર આ છાત્રની ડાબી આંખમાં લાગતાં તેને આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે શાળાના સંચાલકમંડળને રજૂઆત કરવા છતાં પથ્થર ફેંકનારા છાત્ર સામે કોઇ પગલાં ભરવામાં ન આવતાં આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

પાલનપુર તાલુકાના બાદરપુરા (ખોડલા) ગામે આવેલી કૌટિલ્ય વિદ્યાપીઠમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વાવ તાલુકાના દેથળી ગામનો આનંદ ધનજીભાઇ પટેલ તારીખ 6 ઓક્ટોબર 2021ના રોજ સાંજના ચાર કલાકની રિસેસમાં શાળાના પટાંગણમાં પાણી પીવા ગયો હતો. એ સમયે કેટલાક છાત્રો સામસામે પથ્થરબાજી કરવાની રમત રમતા હતા. દરમિયાન કોઇ અજાણ્યા છાત્રએ બેદકારીપૂર્વક નાખેલો પથ્થર વિનોદભાઇની ડાબી આંખમાં લાગ્યો હતો.

છાત્રને ગંભીર ઇજા થતાં શાળાના સંચાલકો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જોકે ઇજા ગંભીર હોવાથી આંખની રોશની જતી રહી હતી. આ અંગે આનંદનાં પરિવારજનોએ શાળાના આચાર્યને રજૂઆત કરી હતી. જોકે આચાર્ય દ્વારા કોઇ સંતોષકારક જવાબ ન મળતાં આખરે તેના કાકા ખેમજીભાઇ રવજીભાઇ પટેલે ગઢ પોલીસ મથકે અજાણ્યા છાત્ર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વીસનગરમાં ઓપરેશન કરાવ્યું, પણ રોશની પાછી ન આવી
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા પછી પણ આનંદની આંખને બચાવવા માટે પરિવારજનો તેને વીસનગર લઇ ગયા હતા, જ્યાં હોસ્પિટલમાં આંખનું ઓપરેશન કરાવ્યું હતુ, પરંતુ આંખની રોશની પાછી આવી ન હતી.

શાળાના સંચાલકોએ સંતોષકારક જવાબ ન આપતાં ફરિયાદ નોંધાવી : છાત્રના કાકા
છાત્રના કાકા ખેમજીભાઇ પટેલે જણાવ્યું હતું કે મારા મોટા ભાઇ ધનજીભાઇ પટેલ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમણે પોતાના પુત્ર આનંદને બાદરપુરા (ખો) ગામે કૌટિલ્ય વિદ્યાપીઠમાં અભ્યાસ માટે મૂક્યો હતો. તે ત્યાં જ હોસ્ટેલમાં રહેતો હતો. આ ઘટનામાં શાળાના સંચાલકો દ્વારા કોઇ સંતોષકારક જવાબ ન આપતાં પથ્થર ફેંકનારા છાત્ર સહિત જવાબદાર વ્યકિતઓ સામે કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઘટના અકસ્માતે બની છે : શાળાના સંચાલક
બાદરપુરા (ખો) કૌટિલ્ય વિદ્યાપીઠના સંચાલક જિતુભાઇ ચૌધરી જણાવ્યું હતું કે આનંદ રિસેસ દરમિયાન શાળાના મેદાનમાં રમતો હતો. ત્યારે રમતાં રમતાં અકસ્માતે ઘટના બની છે. કોઇ છાત્રએ જાણીજોઇને પથ્થર માર્યો નથી. અમે આનંદની સારવાર માટે બની શકે એ પ્રકારની તમામ મદદ કરી છે.

છાત્રને સારવાર અર્થે ખસેડી તેના પિતાને જાણ કરી
આનંદને આંખના ભાગે પથ્થર વાગ્યા પછી શાળાના સંચાલકોએ તેણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. જે પછી ફોન કરી તેના પિતા ધનજીભાઇને જાણ કરી હતી, આથી તેઓ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે જણાવ્યું હતું કે આનંદની આંખને ગંભીર ઇજા થઇ હોવાથી આંખ જતી રહી છે.

Leave A Reply

Your email address will not be published.