ભાભરમાં ખેતીની જગ્યા જોવા માટે આવેલા અમદાવાદ મોટેરા સાબરમતી આશ્રમના સેવકો ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ મોટેરા સાબરમતી આશ્રમના સમાજ સેવકો રાકેશ રામચંદ્ર જયસ્વાલ અને અને મોતીભાઇ સોભારામ ચૌધરી ચાર દિવસ અગાઉ ભાભર આવ્યા હતા. જ્યાં સાધક ભાભરના બેડા ગામના શંકરભાઇ ખેમાભાઇ પટેલની ગાડી નં. જીજે. 02.સીપી. 5985માં બેસી સાથી સેવક બચુભાઇ કેશવલાલ પટેલની ખેતરની જગ્યા જોવા ગયા હતા. ત્યાંથી હરિધામ ગૌશાળા જોવા માટે ગયા હતા.
ત્યારે એક ગાડીમાં આવેલા ભાભર જુના ગામના રોહિતસિંહ તખુભા રાઠોડ, ભરતસિંહ વિહાજી રાઠોડ, તખુભા વિહાજી રાઠોડ અને હિંમતસિંહ વિહાજી રાઠોડે કેમ ત્યાં જગ્યા ઉપર આવેલા તેમ કહી લાકડી, ધોકા વડે હૂમલો કરી રાકેશભાઇ, મોતીભાઇ અને રમેશભાઇને ઇજાઓ પહોચાડી હતી. આ રાકેશભાઇએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય સામે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.