બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે મોડી રાત્રે ચેકિંગ હાથ ધરી રેતી ભરેલા 4 ડમ્પરો ઝડપી પાડ્યા, રૂપિયા એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
- ભૂસ્તર વિભાગે રૂપિયા એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી રૂ. 11 લાખ વધુનો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરી
- જિલ્લામાં ભૂસ્તર વિભાગે છેલ્લા 6 માસમાં રૂ 261.17 લાખનો દંડ ભુમાફિયાઓને ફટકાર્યો
બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ગતમોડી રાત્રે અને વહેલી સવારે ઓચિંતી ચેકીંગ હાથ ધરી ચાર રેતી ભરેલા ડમ્પર કબ્જે કર્યા હતાં. જેમાં એક કરોડથી વધુનોનો મુદ્દામાલ કબ્જે કરી રૂ. 11.90 લાખનો દંડ ફટકારતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ઓફિસના સમય બાદ મોડી રાત્રે અને વહેલી સવારે ખાનગી રાહે ઓચિંતી રેડ કરી અનેક વખત ખનીજ ચોરી ઝડપી પાડી છે. ત્યારે ગતરોજ ભૂસ્તર અધિકારી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની ટીમ મોડી રાત્રે મોટા જામપુર ગામે પહોંચી તપાસ હાથ ધરતા રેતી ભરેલા ત્રણ ડમ્પર મળી આવેલા જે ડમ્પરના ચાલક પાસે રોયલ્ટી પાસ બાબતે પૂછપરછ કરતાં રોયલ્ટી પાસ મળ્યો નહોતો. રોયલ્ટી પાસ ન મળતાં ત્રણ ડમ્પરો કબજે કરી થરા પોલીસ મથકે મૂકવામાં આવ્યા હતા.
ત્યારબાદ વહેલી સવારે ફરી ચેકિંગ હાથ ધરતા આખોલા ચાર રસ્તા પાસેથી પસાર થઇ રહેલા એક રેતી ભરેલા ડમ્પરના ચાલક પાસે રોયલ્ટી પાસ માંગતા નહોતો મળ્યો, જેથી ડમ્પરને કબ્જે લઈ ડીસા તાલુકા પોલીસ મથકે મૂકવામાં આવ્યુ હતું. આમ મોડી રાત્રે અને વહેલી સવારે મળી કુલ ચાર ડમ્પર કબજે કરી એક કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી રૂપિયા 11.90 લાખનો દંડ વસૂલવા કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે છેલ્લા છ માસમાં ઓચિંતી ચેકીંગ હાથ ધરી 266 ખનીજ ચોરીના કેસ કરી રૂ. 261.17 લાખનો દંડ ફટકારી સરકારને મતબર આવક ઉભી કરી છે. ભૂસ્તર વિભાગે ખાસ કરીને ડીસા તાલુકાના રાણપુર, ભડથ,કૂપટ, માલગઢ, તેમજ કાંકરેજ તાલુકાનાના મોટા જામપુરા, કંબોઈ, ઉમેરી, કસલપુર, અરણીવાડા વિસ્તારમાં થતી ખનીજ ચોરીઓ ઝડપી અત્યારે સુધીમાં અનેક વાહનો કબ્જે કરી દંડની વસુલાત કરી છે.