થરાદના જેતડામાં ભાડાના મકાનમાં રહેતા અને પેપરાલ ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સર્જનકુમાર મંગુભાઇ અસારી (મૂળરહે. સરસવ, તા.વિજયનગર, જી.સાબરકાંઠા) ની જીજે-01-એચઆર-2887 નંબરની રૂપિયા 2 લાખની કિંમતની કાર તેમના રહેણાંકે પાર્ક કરેલી હતી. જેની શનિવારની રાત્રે ચોરી થવા પામી હતી. આ અંગે શિક્ષકની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ સાહેબખાન ઝાલોરીએ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં કારની ચોરી કરવા માટે આવેલી બીજી એક સ્વીફ્ટ કાર સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. જેના આધારે પોલીસે તેની તપાસ માટે ખોડા ચેકપોસ્ટે નાકાબંધી કરી વાહનાચેકીંગની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન જીજે-17-બીએન-6482 નંબરની કારને તેના ચાલક ઓમપ્રકાશ પુનમારામજી બિશ્નોઇ (રહે.ઉપરલા,તા.ચૌહટન,જી.બાડમેર-રાજસ્થાન) સાથે ઝડપી લીધી હતી. પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડની તજવીજ હાથ ધરતાં તેની પાસે ઉપરોક્ત વાહનચોરીની કબુલાત થવા પામી હતી.
બે શખસ ઇકો ચોરી કરી સાંચોર નિકળી ગયા
ગુજરાતમાં કાર ચોરી કરવાના ઇરાદે તેની ઓમપ્રકાશ સ્વીફ્ટ કાર ભાડે કરીને હનુમાનરામ પન્નારામ જાટ (રહે.ગગાલા,તા.રામસર,જી.બાડમેર) તથા દામારામ વિશ્નોઇ (રહે.સારલા, તા.ધનાઉ,જી.બાડમેર) થરાદ આવ્યા હતા. પરંતુ મેળ ન પડતાં શાંત એરિયા શોધતા છેક જેતડા પહોંચ્યા હતા. જ્યાંથી માસ્ટર કી વડે લોક તોડી સવારના સાડાચાર વાગ્યે ઇકોની ચોરી કરીને ઉપરોક્ત બંન્ને શખસો કાચા નેળીયાથી સાંચોર નિકળી ગયા હતા. જ્યારે કાર ચાલક ઓમપ્રકાશ ઝડપાઇ જવા પામ્યો હતો. પોલીસે તેની પાસે મોબાઇલ અને રોકડ સહિત ચીજવસ્તુઓ કબજે લઇ રિમાન્ડની તજવીજ સાથે ચોરાયેલી કારને પરત મેળવવાની દિશામાં વધુ તજવીજ હાથ ધરી હતી.