સિમલાગેટ, શાકમાર્કેટ, રેલ્વે સ્ટેશન,કોઝી વિસ્તારના 50 વેપારીઓ સામે કેસ
પાલનપુરમાં જાહેર માર્ગો સહિતના સ્થળોએ ગંદકી કરનારા રેંકડી ચલાવતાં સહિતના 50 વેપારીઓને નગરપાલિકાએ વારંવાર ગંદકી ન કરવા તાકિદ કરવા છતાં ગંદકી આખરે પાલિકાએ આ વેપારીઓ સામે સીઆરપીસી કલમ 133 હેઠળ કેસો નોંધાવતાં હવે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પાલનપુરમાં સિમલાગેટ, શાકમાર્કેટ, રેલ્વે સ્ટેશન, કિર્તિસ્તંભ રોડ સહિત કોઝી વિસ્તારમાં શાકભાજી, ફળો, નાસ્તા હાઉસ, રેસ્ટોરન્ટના સંચાલકો સહિતના વેપારીઓ દ્વારા જાહેરમાં ગંદકી કરાતાં નગરપાલિકા દ્વારા વેપારીઓને વારંવાર પેમ્લેટ સહિતના માધ્યમ દ્વારા તાકીદ કરવા છતાં પ્રજામાટે ત્રાસદાયક કૃત્ય જારી રાખ્યું હતુ.
જેમાં 50 વેપારીઓ સામે ગુરૂવારે નગરપાલિકાએ 133 હેઠળ કેસો નોંધાવ્યા હતા. આ અંગે પાલિકા ચીફ ઓફિસર સતિષ પટેલ અને સેનિટેશન ચેરમેન ડો. અમી પટેલે જણાવ્યું કે, 8 કર્મીઓની ટીમ દ્વારા છેલ્લા ચારથી પાંચ દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ તપાસ કરી વેપારીઓને ગંદકી ન કરવા માટે તાકીદ કરવા છતાં કૃત્ય ચાલુ રાખ્યું હોઇ તેમની સામે કાર્યવાહી હાથ ધરી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરાશે.
દંડ ન ભરે તો બીજી કલમ ઉમેરી કેદની સજા થઇ શકે
પાલનપુરના વકીલ મનોજ ઉપાધ્યાયએ જણાવ્યું કે સી. આર. પી. સી.ની 133ની કલમમાં પ્રજા માટે વિવિધ ત્રાસદાયક કૃત્યો કરનારા વ્યકિત સામે દંડનાત્ક કાર્યવાહીની જોગવાઇ છે. જે જામીન પાત્ર છે. જોકે, દંડ ન ભરે અને અધિકૃત અધિકારી દ્વારા તેમાં 125ની કલમ અંતર્ગત કાર્યવાહી થાય તો કેદની પણ જોગવાઇ છે.
પાલિકાના હૂકમનું પાલન નહી કરે તો પોલીસ કાર્યવાહી
આ અંગે પૂર્વ પોલીસ મથકના ઓફિસરે જણાવ્યું કે, 133ની કલમમાં નગરપાલિકા હવે વેપારીઓ પાસેથી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરશે. જો, વેપારીઓ તેનો ઇન્કાર કરે તો નગરપાલિકાના જણાવ્યા બાદ પોલીસ દ્વારા તેમની અટકાયત,જામીન સહિતની કાર્યવાહી હાથ ધરાશે.