દિયોદરના સણાવ ગામનું દંપતી દિકરાની સાવાર કરાવી પરત ઘરે જતાં ભાભરના ખારી પાલડી નજીક અકસ્માત, પત્ની સહિત 2ને ઈજા પહોંચી
દિયોદર તાલુકાના સણાવ ગામનું દંપતી દિયોદરમાં બિમાર દિકરાની સારવાર કરાવી ગુરુવારે તેમના બાઇક પર પરત આવતાં ભાભર તાલુકાના ખારી પાલડી ગામ પાસે એક ટ્રેક્ટર ચાલકે રોંગ સાઇડમાં આવી રોડ ક્રોસ કરતાં બાઇકને ટક્કર મારતાં પત્નિની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતુ. જ્યારે પત્ની સહિત બે વ્યક્તિઓને ઇજા થતાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
થરાદ-ભાભર હાઇવે ઉપર ગુરૂવારે સર્જાયેલા અકસ્માતની વિગતો એવી છે કે, દિયોદરના સણાવ ગામના માનસુંગભાઇ ગગાજી ચાવડા (ઉ.વ. 40) તેમની પત્નિ મંજુબેન મનસુખભાઇ ચાવડા તેમનો દિકરો બિમાર હોઇ પરિવારના પરેશજી શાંતિજી ચાવડાને લઇ બાઈક ઉપર દિયોદર હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે ગયા હતા. જ્યાંથી પરત ફરી રહ્યા હતા.
ત્યારે ખારી પાલડી ગામથી હાઇવે ઉપર ચઢતી વખતે રોંગ સાઇડમાં આવેલા ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લીધુ હતુ. આ અકસ્માતમાં પત્નિની નજર સામે જ માનસુંગભાઇનું મોત નિપજ્યુ હતુ. જ્યારે મંજુુબેન અને પરેશજીને ઇજાઓ થતાં 108 દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માતમાં બાઇકના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.જ્યારે ટ્રેકટર રોડની સાઇડમાં ઉતરી ગયું હતું. ભાભર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
બાળક માટીમાં પડતાં બચાવ
ટ્રેકટર ચાલકે બાઇકને ટક્કર મારતાં ચારેય જણાં ફંગોળાઇને રોડ ઉપર પટકાયા હતા. જોકે,નાનું બાળક માટીમાં પડતાં તેનો બચાવ થયો હતો. જોકે, અકસ્માત સર્જનાર ટ્રેક્ટર માલિક અને બાઇક ચાલક સંબંધી હોઈ ફરિયાદ નોંધાઈ નથી.