રિપોર્ટર :- પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા
યાત્રાધામ અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઇ
આસ્થાને અનુરૂપ આયોજન માટે વહીવટીતંત્રની અનોખી સજ્જતા: સેવા, સ્વચ્છતા અને સલામતી સાથે મેળામાં આધુનિક ટેકનોલોજીનો વિશેષ ઉપયોગ
ગુગલ મેપ્સ, મોબાઈલ એપ્સ, વોટસએપ ચેટબોટ, QR કોડ સ્કેન અને વર્ચ્યુઅલ રિયાલિટી સાથે મેળાની અદભૂત અનુભૂતિનું આયોજન
શ્રદ્ધા અને સ્વચ્છતાનો સમન્વય: પ્રસાદ માટે વેન્ડિંગ મશીન અને પર્યાવરણ જાળવણી માટે પ્લાસ્ટિક ક્રશર મશીન સહિતની અનેક નવીન સુવિધાઓ પહેલ

યાત્રાધામ અંબાજીમાં તા. 23 થી 29 મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મેળો શરૂ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મેળો યોજવા બનાસકાઠા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની મિડીયાને માહિતી આપવા અંબાજી મંદિરના મીટીંગ હોલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ત્યારબાદ કલેક્ટરશ્રીએ મિડીયાના મિત્રો સાથે અંબાજી ખાતે દિવાળી બા ભોજનાલય અને વિવિધ ડોમની મુલાકાત લઇ મેળાની વ્યવસ્થાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યુ હતું.
કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાળુઓ, દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. તેમજ આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે તંત્ર દ્વારા વિવિધ 29 જેટલી સમિતિઓ બનાવાઈ છે. જેના દ્વારા મેળામાં સેવા, સુવિધા, વિશ્રામ, સલામતી, ભોજન અને આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તેમજ સમગ્ર મેળા પર સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવશે. યાત્રિકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૫ વિશાળ વોટરપ્રુફ ડોમમાં ૧૨૦૦ જેટલાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાનાર છે. તેમણે કહ્યું કે, અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી માઇભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિગ સ્થળથી માઈભક્તો 51 શક્તિપીઠ સર્કલ સુધી આવી શકે તે માટે 150 જેટલી રિક્ષાની વિનામૂલ્યે વ્યવસ્થા કરાઇ છે. અંબાજી મંદિર ખાતે અને અલગ અલગ માર્ગ પર સુંદર રંગબેરંગી રોશની કરવામાં આવી છે. જયારે મીડિયા માટે અલાયદો કંટ્રોલ રૂમ પણ શરૂ કરાશે તથા અંબાજી મંદિરના દર્શન સોશિયલ મીડિયા દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.

મેળામાં આવતા લોકોના આરોગ્યની જાળવણી માટે 25 જેટલા આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયા છે. જેમાં નિષ્ણાંત તબીબો અને 256 જેટલાં આરોગ્ય કર્મીઓ પોતાની ફરજ બજાવશે. 11 જેટલી 108 એમ્બ્યુલન્સ વાન ઉપરાંત 6 અન્ય એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી છે. મેળા દરમિયાન સતત વીજ પુરવઠો જળવાય, પીવાના પાણી અને પાર્કિગની પુરતી વ્યવસ્થા કરાઇ છે. આ વખતે ૧૮૭ સંઘો અને સેવાકેમ્પોનું ઓનલાઇન રજીસ્ટ્રેશન થયું છે તથા ૧૯૮૦ પદયાત્રિક સંઘોનું પણ ઓનલાઇન રજીસ્ટ્રેશન થયું છે એમને વાહન પાસ આપવામાં આવ્યા છે.
આ વર્ષે ભાદરવી પૂનમ મેળામાં કરવામાં આવેલ નવીન પહેલ
કલેક્ટરશ્રીએ કહ્યું કે, આ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં કેટલીક નવીન પહેલ કરવામાં આવી છે. મેળાની વ્યવસ્થાઓને લગતા તમામ મહત્વપૂર્ણ સ્થળોને એક સાથે સંકલિત કરવામાં આવ્યા છે અને એક QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે. ગુગલ મેપ્સ દ્વારા કોઈપણ વ્યક્તિ તેના ઇચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે આ કોડને સ્કેન કરી શકે છે.
અંબાજી મંદિરની મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવશે. જેમાં મંદિરમાં દર્શનનો સમય, મંદિરની તમામ સુવિધાઓ અને મંદિરના અપડેટ સરળતાથી મેળવી શકાશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકાય છે.
“અંબાજી ઇ-મંદિર” વોટસએપ ચેટબોટ મંદિર દ્વારા ભક્તો માટે તમામ માહિતી, મંદિરની પ્રવૃત્તિઓ અને અપડેટ યુઝરને સીધા મોકલવામાં આવે છે. આ સેવા માટે વોટસએપ ચેટબોટનો નંબર 8799305151 પરથી આ સેવાનો લાભ મેળવી શકાશે.