રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરાની વિશ્વકર્મા સોસાયટીમાં ગેરકાયદેસર મોબાઇલનું ટાવર ઉભુ કરવામાં આવતા લોકોએ વિરોધ કર્યો હતો. આ અંગે પ્રાંત અધિકારીને રજુઆત કરાતા કામ બંધ કરાવ્યું હતુ. ધાનેરાની વિશ્વકર્મા સોસાયટીમાં એક દીવાલ બનાવેલ પ્લોટમાં પાલિકાની કે સોસાયટીના રહીશોની કોઇપણ જાતની મંજૂરી વગર રાત્રીના સમયે ટાવર ઉભો કરવા માટે પાયા ખોદી કામ કરવામાં આવતું હતુ.
સ્થાનિક રહીશ જોરજી બારોટે જણાવ્યું હતું કે, કામ બંધ કરાવવા માટે પ્લોટ ધારકને રજુઆત કરતાં તેણે ધમકી આપી હતી. આથી ધરણાં માટે મંડપ પણ બાંધ્યો હતો. દરમિયાન રજૂઆત કરતાં પ્રાંત અધિકારી ચરણસિહ ગોહિલે પાલિકાના ચીફ ઓફિસરને ફોન કરીને આ કમ બંધ કરાવ્યું હતુ. ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રુડાભાઇ રબારીએ જણાવ્યું હતું કે, આ ટાવર બનાવવા નગરપાલિકાની કોઇ મંજૂરી લેવામાં આવેલ ન હોવાથી કામકાજ બંધ રાખવા કહ્યું છે.