રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાના યાવરપુરા ગામે રૂપિયા બાબતે છરી મારતાં બે શખસો સામે પોલીસમાં ફરિયાદ નોંધાતાં ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે. યાવરપુરા ગામના ગણાજી હરદાજી ઠાકોરના નાના દિકરા નિલાભાઇને પોતાના જ ગામના ઉત્તમભાઇ વેરસીભાઇ ઠાકોરનો ફોન આવેલ કે તારું કામ છે તો ગામમાં આવજે ખાસ કામ છે.
જેથી નિલાભાઇ ગામમાં આવેલ અને ગામના ગોદરે ઉત્તમભાઇ તથા બીજા ભુરાભાઇ કરમીભાઇ રબારી ઉભા હતા અને નિલાભાઇએ પૂછ્યું કે શું કામ છે ત્યારે આ બન્ને શખસોએ રૂપિયા આપવાનું કહેતા ના પાડી હતી. જેથી ભુરાભાઇએ પોતાની પાસે રહેલી છરી માથાના ભાગે મારી હતી અને ઉત્તમભાઇએ બાજુમાંથી પાઇપ પગના ભાગે મારી હતી. જેથી નિલાભાઇ બુમાબુમ કરી દોડવા લાગતા આ બન્ને શખસોએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. નિલાભાઇ ચક્કર ખાઇને નીચે પડી ગયા હતા.
જેથી લોકોએ 108 મારફત ધાનેરા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. બીજા દિવસે નિલાભાઇને ભાન આવતા તેના પિતાને આખી ઘટનાની જાણ કરતા તેના પિતા ગણાજી હરદાજી ઠાકોર દ્વારા પોતાના જ ગામના ઉત્તમભાઇ વેરસીભાઇ ઠાકોર તથા ભુરાભાઇ કરમીભાઇ રબારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.