ડીસાની ગાયન કલાકાર યુવતીને સ્ટુડિયો માલિક દ્વારા સિગિંગનો કરાર કર્યા બાદ અભદ્ર માંગણી કરી મોબાઇલમાં ફોટા પાડી અપહરણ કરવાની કોશિશ કરી હેરાન કરાતી હોવાની ફરિયાદ યુવતીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે આ અંગે કોઇ કાર્યવાહી ન કરતાં યુવતીએ ડીસા કોર્ટ મારફત બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
ડીસાની એક ગાયન કલાકાર યુવતીઅે ડીસાના ગવૈયા સ્ટુડિયોના માલિક શૈલેષભાઈ મશરૂભાઈ ચૌહાણ (રહે.વેલુંનગર) અને દશરથજી ઠાકોર સાથે સિગિંગના કરાર કરેલા હતા. કરાર બાદ સ્ટુડિયો માલિક બિભત્સ માંગણી કરતા યુવતીએ ના પાડી હતી. ત્યારબાદ સ્ટુડિયો માલિકોએ તેણીના નામની ઓફિશિયલ ચેનલ પણ બનાવી હતી અને તે માટે તેના મોબાઈલમાં ફોટા પાડ્યા હતા. યુવતી પાસે ખોટી માંગણીઓ કરતાં યુવતીએ તેણીના પતિને વાત કરી હતી. જેથી તેણીના પતિએ સમાજના આગેવાનો સાથે સ્ટુડિયો માલિકની વચ્ચે બેઠક કરી સિગિંગનો કરાર રદ કર્યો હતો. તેમ છતાં બંને જણા વારંવાર ફોન પર ફોટા વાયરલ કરવાની ધમકી આપતા હતા. થોડા સમય અગાઉ યુવતી ડીસાથી હારિજ દર્શન કરવા જતાં બંને જણાએ બાઈક પર પીછો કરી જુના ડીસાથી તેણીનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. આમ વારંવારની માંગણીથી ત્રસ્ત યુવતીએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકમાં તા.1 એપ્રિલ-2021ના રોજ ફરિયાદ કરી હતી. જોકે પોલીસે આજ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી ન કરતા યુવતીએ ડીસા કોર્ટ મારફતે તેની ફરિયાદ કરવાની ફરજ પડી હતી. જેથી કોર્ટના હુકમથી ડીસા દક્ષિણ પોલીસે બંને સ્ટુડિયો માલિક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.