ડીસા શહેરના જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી ઠેર ઠેર કાદવ-કીચડ અને ગંદકીથી મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળાની ભિતી સેવાઇ છે. પાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં પરીસ્થિતિ જૈસે થે રહેતાં સ્થાનિક વેપારીઓ રોષે ભરાયા છે. ડીસાની જીઆઈડીસી વિસ્તારમાં ઘણા સમયથી સ્થાનિક વેપારીઓ ગંદકી તેમજ વરસાદી પાણી ભરાવાથી હેરાન-પરેશાન થઈ ઉઠ્યા છે.
વરસાદી પાણી ભરાવાથી મચ્છરોના ઉપદ્રવ થતાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. વેપારીઓ દ્વારા અનેક નગરપાલિકામાં રજુઆત કરવા છતાં સાફ સફાઈ કે કોઈ પ્રકારની કાર્યવાહી કરાતી નથી. જીઆઇડીસી વિસ્તારમાં ઓઇલ મિલ, સુગર ફેક્ટરીઓ, દાળ મિલ, સાકર, ગોળી બિસ્કીટ તેમજ ખાદ્ય પદાર્થના અનેક એકમો આવેલા છે. આથી પાલિકા દ્વારા સાફસફાઈ કરાવી દવાનો છંટકાવ જરૂરી છે તેમ સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું.