રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના કોટડા ગામથી નેનાવા તરફ નેશનલ હાઇવે ઉપર બે ટ્રકો સામસામે ટકરાઇ હતી. જેમાં એક ટ્રકમાં બેઠેલા ત્રણ લોકોને નાના મોટી ઇજાઓ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. ધાનેરાથી સાંચોર જતા નેશનલ હાઇવે ઉપર પડેલ ખાડાઓના કારણે અવાર-નવાર મોટા અકસ્માતો થાય છે. બુધવારે સવારના 8-00 વાગે ધાનેરા બાજુથી પાઇપો ભરીને રાજસ્થાન તરફ જતી ટ્રક નંબર ડીડી-01-કે-9777ના ડ્રાઇવરે સામેથી આવી રહેલી ખાલી ટ્રક નંબર જીજે-18-એયુ-7608 ને સાઇડના ભાગે ટક્કર મારતાં ટ્રકના બે ટૂકડા થવા પામ્યા હતા. ટ્રકમાં બેઠેલા વિછીંવાડી ગામના ત્રણ લોકોને નાના મોટી ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે ધાનેરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે પાઇપ ભરેલી ટ્રક રસ્તાથી નીચે ઉતરી જવા પામી હતી. આ અંગે ધાનેરા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ટ્રક નંબર જીજે-18-એયુ-7608ના ડ્રાઇવરે જણાવ્યું હતું કે અમે વિછીંવાડી ગામેથી ધાનેરા આવી રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ ટ્રકના ડ્રાઇવરે એકદમ રોંગ સાઇડ ગાડી લાવીને અમોને અમારી ગાડી નીચે ઉતારવા છતાં સાઇડમાં અથડાવી દેતા ગાડીના બે ટુકડા થવા પામ્યા છે.