શાળા/કોલેજ/સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લેવા- મુકવા આવતા ખાનગી વાહન સંચાલકોએ સ્કુલવાનમાં પાસીંગ સિવાયના વધુ વિદ્યાર્થીઓને બેસાડવા નહી
રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
બનાસકાંઠા જિલ્લામાં આવેલ શાળા/કોલેજ/સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ભય અને અસલામતીને દુર કરવા તથા વિદ્યાર્થી/વિદ્યાર્થીઓના અપહરણ, છેડતીના બનાવો બનતા અટકાવવા સારૂ જાહેરજનતાના હિતાર્થે ખાનગી વાહનોમાં આવતા જતા વિદ્યાર્થી/વિદ્યાર્થીઓના તથા સ્કુલવર્ધીમાં ચાલતા વાહનના ડ્રાઈવર/ ક્લીનરની વિગતો તથા વાહનની વિગતો રાખવા સારૂ બહાર પાડવા ધારેલા પ્રાથમિક/ હંગામી જાહેરનામાનો મુસદો તેનાથી અસર થતા લાગતા વળગતા તથા તમામની જાણ માટે પ્રસિધ્ધ કરવામાં આવે છે. આ પ્રાથમિક જાહેરનામું ગુજરાત સરકારશ્રીના ગેઝેટમાં પ્રસિધ્ધ થયા તારીખથી દિન-૩૦ (ત્રીસ દિવસ) ની અંદર કોઈપણ વ્યકિત તરફથી વાંધા સુચનો જિલ્લા મેજીસ્ટ્રેટને લેખીતમાં મોકલવામાં આવશે તો તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવશે.
શ્રી આનંદ પટેલ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ (સને ૧૯૫૧ ના મુંબઈના ૨૨માંની) કલમ ૩૩ ની પેટા કલમ ૧ (બી) હેઠળ મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લાની હકુમત હેઠળના વિસ્તારની અંદર આવેલ શાળા/ કોલેજ/ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈ જવા તથા લાવવાનું કામ કરતાં વાહનના ડ્રાઈવર/કલીનરની વિગતોનો રેકર્ડ રાખવા સારૂ નીચે મુજબનો હુકમ કર્યો છે.
બનાસકાંઠા જિલ્લાની હકુમત હેઠળના વિસ્તારની અંદર ૧. શાળા/ કોલેજ/ સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લેવા-મુકવા આવતા ખાનગી વાહન સંચાલક/ માલીકોઓએ પોતાના સ્કુલવાનમાં પાસીંગ સિવાયના વધુ વિધાર્થીઓને બેસાડવા નહી. ૨. શાળા/ કોલેજ/ સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લેવા-મુકવા આવતા ખાનગી વાહન સંચાલક/ માલીકોઓએ પોતાના નામ સરનામા તેમજ સ્કુલવાન ચલાવનાર ડ્રાયવ૨/ કલીનરનું નામ સરનામું વિદ્યાર્થીઓની સ્કુલ તેમજ વાલીઓને ફરજીયાત આપવાની રહેશે. ૩. શાળા/કોલેજ/સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના નામ, વાલીઓના નામ મોબાઈલ નંબર/ ટેલીફોન નંબર સ્કુલવાન વાહન સંચાલક/ માલીકોઓએ પોતાની પાસે રાખવાની ૨હેશે. ૪. શાળા/કોલેજ/સંસ્થામાં વિદ્યાર્થીઓને આવવા-જવા સારૂ વપરાતા ખાનગી વાહનો જેવા કે સ્કુલ બસ, વાન, ઓટોરીક્ષા વિગરે વાહનોના સંચાલકો/ ડ્રાઈવરોએ તેમના વાહન અંગેની તથા વાહનના ડ્રાઈવર તથા કલીનરની વિગતોની જાણ નજીકના પોલીસ સ્ટેશને કરવાની રહેશે. આ હુકમ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.