બનાસકાંઠાના થરાદ તાલુકાના જેતડા ગામની લાયન્સ સ્કૂલમાં વાર્ષિકોત્સવનું આયોજન કરાયું.રાંટીલા બાળ બ્રહ્મચારી સંતશ્રી વાલજી બાપુની ઉપસ્થિતિમાં સંસ્કૃતિને અનુરૂપ ભવ્ય કાર્યક્રમ યોજાયો.બાળકોમાં શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃતિઓ કે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન થકી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થતો હોય છે અને વિવિધ કળાઓ ખીલતી હોય છે,લાયન્સ સ્કૂલ વર્ષમાં અવારનવાર આવા કાર્યક્રમો અને પ્રવૃતિઓ થકી બાળકોની શક્તિઓને ખીલવવામાં હંમેશા અગ્રેસર અને વધુ પ્રયત્ન કરે છે.સંસ્થાના સંચાલક ડૉ. હેમુભા સોઢાએ આવેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતાં હૃદયના ઉમળકા સાથે સૌને આવકાર્યા હતા.આ વખતે સંસ્થાએ વાર્ષિકોત્સવમાં બાળકો દ્વારા આપણા દેશની સંસ્કૃતિને અનુરૂપ તેમજ રાષ્ટ્ભક્તિના કાર્યક્રમો થકી સ્ટેજને ગજવી મૂક્યું હતું.બાળક પોતાની સંકુચિતતા છોડી ખુલ્લા મંચ ઉપર પાંગરીને ખીલી શકે તેવા કાર્યક્રમો જરૂરી હોય છે.આ કાર્યક્રમમાં વિવિધ નાટકો,ગીત,સંગીત,નૃત્યો,તલવારબાજી જેવી બાળકોની કળાએ ઓડિયન્સને આશ્ચર્યચકિત કરી મુક્યા હતા.બાળકોની કળાને નિહાળવા આવેલા લોકોએ બાળકોની કૃતિઓને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી તેમજ બાળકોના ઉત્સાહને વધારવા અને પ્રોત્સાહિત કરવા દાનની સરવાણી પણ વરસાવી હતી.સંસ્થાના પ્રમુખ ડૉ. ધેગાભાઈ ચાવડાએ આજના સમયમાં શિક્ષણની જરૂરિયાત અને સંસ્થાના કાર્ય વિશે પરિચય આપ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન શાળાની બાળાઓ ચેતનાબા અને આસ્થાબા રાજપૂત દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઝેરડા સર્કલ ઓફિસર મોડસિંહ રાજપૂત, અદ્વૈત વિદ્યાસંકુલ જસરાના સંચાલક મનોજભાઈ દવે, બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન મોરચાના પ્રમુખ ટી.પી.રાજપૂત,લાખણી તાલુકાના ઉપપ્રમુખ થાનુંસિંહ વાઘેલા,ધીરજભાઈ દરજી,ડૉ. મહેન્દ્રસિંહ રાજપૂત,જૈનગોરજી તેજપાલજી,અર્જુનસિંહ રાજપૂત એલ.સી.બી.પાલનપુર,ડૉ. ભરતભાઇ ચૌધરી ક્રિષ્ના હોસ્પિટલ લાખણી તેમજ વિવિધ સમાજમાંથી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય પ્રતિકભાઈ રાઠોડે ઉપસ્થિત સંતો,મહેમાનો,વડીલો,સામાજિક અગ્રણીઓ,યુવાનો,માતાઓ, ભાઈઓ,બહેનો,પત્રકારો તેમજ બાળકોનો ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.