ઓળખપત્ર નંબર:RK.SH 019
પ્રતિયોગીતા નંબર:1436
શબ્દ: નવરાત્રી
પ્રકાર: લઘુકથા (ગદ્ય)
શીર્ષક: “અનોખું પૂજન”
“હે જગદંબા, તું જ રસ્તો બતાવ મને, વરસોથી ચાલી આવતી પરંપરા તુટવાને આરે છે! મહામારીના પ્રકોપને કારણે શેરી-ગરબા પર તો પ્રતિબંધ છે, કઈ રીતે માયાબેનને સમજાવીશ હું?”
હતાશા અનુભવી રહેલી લતાએ નિસાસો નાંખ્યો અને દાયકા પહેલાનાં સ્મરણોમાં ખોવાઈ ગઈ!
પતિનું આકસ્મિક મૃત્યુ અને પોતાનો ખાલી ખોળો! વૈધવ્ય અને વાંજીયાપણાની વેદના સાથે મૂક-બધિર અને મંદબુદ્ધિની નણંદ એવી માયાની જવાબદારી લતા પર આવી પડી! અન્ય કોઈ અડીને સગુ રહ્યું જ ન હતું માયાને પાલવવાવાળું, લતાએ ઈચ્છ્યું હોત તો પુનર્લગ્ન કરી પોતાનું જીવન નવેસરથી શણગારી જ શકી હોત, પણ સ્ત્રીસહજ તાદાત્મ્યભાવ દાખવી આજીવન માયાની સેવાનો સંકલ્પ લીધેલો, એના જીવનનો એકમાત્ર આધાર અને જિજીવિષાનું કારણ એટલે માયા.
લતાના હૃદયનમાં એક કુમળો ખૂણો હતો માયા માટે, કારણ કે તરૂણાવસ્થામાં પરિવારના જ એક નરાધમે માયાની શારીરિક ક્ષતિઓનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ આચરેલું, બસ ત્યારથી જ માયાનાં બાળમાનસ પર જાણે વજ્રાઘાત થયો હોય એમ એ પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠેલી. એક સ્ત્રી જો બીજી સ્ત્રીનું દુઃખ ન સમજી શકે તો સ્ત્રીનો અવતાર નકામો!
દર નવરાત્રીએ માયાને ખૂબ સુંદર તૈયાર કરીને ગરબા રમવા ઘરની બહાર લાવતી, વર્ષમાં માત્ર આ એક જ તહેવારે માયાને બહાર આવવાનો અવસર મળતો અને માયાની ગરબે ઘૂમવાની શોખપૂર્તિનો રાજીપો જ લતાને મન માતાજીની આરાધના અને પૂજન હતું.

લતાની નિખાલસ અને નિઃસ્વાર્થ સેવાભાવના જોઈને જાણે માતાજીએ જ એક યુક્તિ સુજાડી તેણીને! શહેરનાં માનસિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈ ત્યાંના ટ્રસ્ટીઓ તથા સ્થાનિક પ્રસાશનની પરવાનગી સાથે દરેકના કોરોના ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ્સ લઈને સંસ્થાનાં પ્રાંગણમાં જ ત્યાંની મનોદિવ્યાંગ બહેનો સાથે એક ગરબા ફંક્શનનું આયોજન કર્યું! લતાએ માયાની મનપસંદ આસમાની રંગની સાડી પહેરી અને માયાને તેના ગમતાં કોરા સિલ્કનાં ડ્રેસ સાથે સજાવી.
માયા તથાં તેના જેવીજ મનોસ્થિતી ધરાવતી ભગિનીઓના ચહેરા પર અનહદ આનંદ ઝળહળી રહ્યો અને જાણે સાક્ષાત નવદુર્ગા જ સ્વર્ગથી ઉતરીને ગરબે ઘૂમી રહી હોય એવો એક દિવ્ય પ્રકાશ ચોમેર ફેલાઈ રહ્યો.
નીલમ પ્રતિક વ્યાસ ‘દુર્ગા’
સુરેન્દ્રનગર