Identity card no-80
શબ્દો ની હરિફાઈ પ્રતિયોગિતા ક્રમાં:૧૪૩૬
તારીખ:૭૧૦૨૦૨૧
શબ્દ:નવરાત્રિ
પ્રકાર:ગદ્ય લેખ
નવરાત્રિ..
શક્તિ નાં નવ સ્વરુપની આરાધનાનું પર્વ
એટલે નવરાત્રિ
આવ્યાં આવ્યાં માડી આવિયાં!
ચોસઠ જોગણીઓ સાથે આવિયાં!
સૌને સધિયારો દેવાને આવિયાં..
આવ્યાં આવ્યાં માડી આવિયાં..
આસો સુદ એકમ થી નોમ સુધી દરરોજ નવરાત ‘માં ભવાની’ના વિવિધ સ્વરૂપોની ભક્તો દ્વારા પૂજા થાય છે. એક બાજઠ ઉપર લાલ કપડું પાથરી ઇશાન ખૂણામાં ‘કળશ’ ની સ્થાપના કરી અખંડ દીવો પૂર્ણ શ્રદ્ધા સાથે પ્રજ્જ્વલિત કરવામાં આવે છે. ભક્તો અનુષ્ઠાન કરે છે, અને રોજ રાત્રે પ્રાચીન પરંપરા મુજબ આબાલવૃદ્ધ સૌ ભક્તજનો હોંશે હોંશે નવા ચણિયા-ચોળી પહેરી ગરબે રમે છે. સનાતન કાળથી આ પરંપરા ચાલતી આવી છે જે આજે પણ વિશ્વભરમાં સુપ્રસિદ્ધ છે.
નવરાત્રિ નો પ્રથમ દિવસ
શૈલપુત્રી: જમણા હાથમાં ત્રિશુલ અને ડાબા હાથમાં કમળ સાથે નંદી પર સવાર હિમાલયરાજની પુત્રીનું પૂજન..અર્ચન, ધૂપ, દીપ, નૈવેદ્ય,આરતી કરી ‘માં’ ના ગુણલા ગાઈ ભક્ત જનો સરખે છે..
નવરાત્રિ નો બીજો દિવસ
બ્રહ્મચારિણી: માતા ‘દૂર્ગા’નું બાલ્ય સ્વરૂપ જેના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જાપમાળા છે. માતાના બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કરી ભક્તો ધન્ય બને છે.
નવરાત્રિ નો ત્રીજો દિવસ
ચંદ્રઘંટા: માતા પાર્વતી ના વિવાહ સમયે તેમનું આ નામ પડ્યું જેનો પૂરાવા સ્વરૂપ ‘શિવ’ ને મસ્તકે સરસ મઝાનો અર્ધ ચંદ્ર સોહાય છે. ભક્ત જનો ‘માં’ ના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરી ધન્ય બને છે.
નવરાત્રિ નો ચોથો દિવસ
કુષ્માંડા: ‘માં’નુ કુષ્માંડા સ્વરૂપ ધરતીમાતાને હરિયાળી બનાવે છે. અષ્ટભૂજા સહિત માવડી સિંહ ઉપર અસવાર થાય છે. આજે ચોથા નોરતાં એ ઉપવાસ પૂજન..અર્ચનનો ખાસ મહિમા છે.
નવરાત્રિ નો પાંચમો દિવસ
સ્કંદમાતા: માતા પાર્વતી ના પુત્ર કાર્તિકેય નું એક નામ ‘સ્કંદ’ હોવાથી સ્કંદમાતા તરીકે તેમની પૂજા કરવામાં આવે છે. ચતુર્ભુજ ધારી માતા પાર્વતી ‘સ્કંધ’ સાથે સિંહ ઉપર અસવાર છે. પૂજન અર્ચન જપ તપ આરતી નૈવેદ્ય ધરાવી ભક્તો ભક્તિમાં લીન બની જાય છે.

નવરાત્રિ નો છઠ્ઠો દિવસ
કાત્યાયની: ચાર ભૂજા ધારી માતા કાત્યાયની ‘દૂર્ગા’નું ઉગ્ર સ્વરૂપ છે. સિંહ ઉપર અસવાર માતા ‘કાત્યાયની’ ની પૂજા ભક્તો માં સાહસ,શૌર્ય અને હિંમત પ્રદાન કરે છે.
નવરાત્રિ નો સાતમો દિવસ
કાલરાત્રિ: માતા ભવાની શુંભ-નિશુંભ બંને દૈત્યોનો વધ કરતાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. માટે કાલરાત્રિની પૂજા કરી ભક્તજનો માતા ને રીઝવે છે.
નવરાત્રિ નો આઠમો દિવસ
મહાગૌરી: ‘માં’ નું ‘મહાગૌરી’ સ્વરૂપ અત્યંત સૌમ્ય છે. ‘માં’ નું મુખડું નિહાળતાં જ ભક્તોને શાંતિ નો અનુભવ થાય છે. હોમ-હવન કરી ‘માં’ ની આરાધનામાં ભક્તજનો તન્મય બની જાય છે.
નવરાત્રિ નો નવમો દિવસ
સિદ્ધિદાત્રી: કમળના ફૂલ ઉપર બીરાજમાન સૌમ્ય અને મનોરમ્ય વદન વાળી ‘માં’ સિદ્ધિદાત્રી સર્વે સિદ્ધિઓ બક્ષનારી દેવી તમામ ભક્તોની મનોકામના ઓ પૂર્ણ કરે છે.
નવરાત્રિ ના નવ દિવસ તો એવાં પૂરાં થઈ જાય કે ખબર જ ના પડે. અને દસેરાએ માતાજીને ભારે હ્રદયે ભક્તો વળાવે.
‘માં’ તો જગતજનની છે. સૌના કષ્ટો હરવા અને સૌના દુ:ખ-દર્દનો ભાર હળવો કરી આશીર્વાદ વરસાવી ‘માં’ ભગવતી પોતાના ગોખમાં પરત જાયછે.