બીએસએફ કેમ્પ દાંતીવાડા ખાતે બનાસ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું
- બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 99 બોટલ રક્ત એકત્રિત કરાયું
- પાલનપુર જનરલ હોસ્પિટલમાં દાખલ થતાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે અપાશે

દાંતીવાડાના BSF કેમ્પ ખાતે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બી.એસ.એફના જવાનો, અધિકારીઓ, નાગરિકો તથા બનાસ મેડિકલ કોલેજના અધિકારીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને કુલ 99 બોટલ રક્ત એકત્ર થયું હતું.
પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે દાખલ થતાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે રક્તદાન આપવાનો હતો દાંતીવાડા 1055 BSF રેજીમેન્ટને 50 વર્ષ પૂર્ણ થતાં ગોલ્ડન જ્યુબલી વર્ષ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં BSFના વિવિધ અધિકારીઓ દ્વારા લોકોને વધુમાં વધુ બ્લડ ડોનેશન કરવા તથા તેના ફાયદા બાબતે જાગૃત કર્યા હતા.
બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ પી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ મેડિકલ કોલેજ & રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાસકાંઠામાં વિવિધ સ્થળો પર બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રક્તદાન એ જ મહાદાન સંકલ્પને સાર્થક કરવા માટે સહિયારા પ્રયત્નોની જરૂર છે રક્તદાન કરવાથી કેટલાય લોકોનું જીવન બચાવી શકાય છે. આ સાથે તેમણે આ માનવતાપૂર્ણ કાર્યમાં ફાળો આપનાર દરેક જવાન અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.