- હાલમાં ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુ જેવા રોગચાળાએ માથું ઊંચકતા કાર્યવાહી
ડીસામાં ચોમાસામાં પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે બુધવારે પાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં ખાણી-પીણીના સ્ટોલ પર તપાસ હાથ ધરી રૂપિયા 2900 જેટલો દંડ વસુલ કરાયો હતો.
હાલમાં ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુ જેવા રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે નગરપાલિકા અને આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. બુધવારે ડીસાના બ્લોક હેલ્થ ઓફિસર ડૉ. જે.એચ.હરીયાણીના માર્ગદર્શન હેઠળ ડૉ.કે.પી.દેલવાડીયા તેમજ સુપરવાઈઝર હરીસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ડીસાના નવિન બસ સ્ટેશન આસપાસ આવેલાં 15 થી વધુ ખાણી-પીણીના સ્ટોલ પર તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન સ્વચ્છતાનો અભાવ જણાતાં 2900 રૂપિયા જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ અંગે ડીસા અર્બન હેલ્થ સેન્ટર-2 ના સુપરવાઇઝર હરીસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે, ‘ચોમાસાની ઋતુમાં સ્વચ્છતાના અભાવે રોગચાળો ન ફેલાય તે માટે સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો તેમજ વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા અંગે સમજ આપવામાં આવી હતી.’