બાળકોમાં અનેક પ્રકારની શક્તિઓ સમાયેલી હોય છે પરંતુ તેને બહાર લાવવા માટે શિક્ષકો દ્વારા અવનવા પ્રયોગ કરવામાં આવે છે. ત્યારે ડીસાના નિવૃત્ત શિક્ષક જીવ સૃષ્ટિ ઉપર રહેતાં પક્ષીઓ તેમજ વન્યપ્રાણીઓના ચિત્રો દોરી બાળકોને જ્ઞાન પીરસી રહ્યાં છે. બાળકોમાં જ્ઞાનશક્તિનો ભંડાર ખૂબ જ હોય છે પરંતુ યોગ્ય દિશાસૂચન આપવામાં આવે તો તે બાળકો ખૂબ જ પ્રેરણાદાયી અને રચનાત્મક કાર્યો કરે છે. આથી ડીસાના રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા નિવૃત્ત શિક્ષક ચંદુભાઈ (એટીડી) ચિત્રો દ્વારા બાળકોને શિક્ષણ પુરૂ પાડી રહ્યાં છે.
ડીસાના રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સર્વ મંગલમ વિદ્યાલય-ડીસા ખાતે ધોરણ 6 થી 8 ના બાળકોને જીવ સૃષ્ટિ ઉપર રહેતા હાથી, વાઘ, વાંદરો, બિલાડી તેમજ પક્ષીઓ અને વન્ય જીવોની ચિત્ર દોરી સમજ આપી હતી.
વન્ય જીવોના મહોરા કેવી રીતે બનાવવા તેની બાળકોએ અભિનય સાથે સમજ આપી હતી તેમજ વન્ય જીવો માટે વૃક્ષો બચાવો-પાણી બચાવો તેની સાથે સાથે ચિત્રો દ્વારા બાળકોને શીખવ્યું હતું. જેમાં ભૂમિ વૈષ્ણવ, માનસી નાઈ, વિશ્વ દેસાઈ તેમજ યાગ્નિક ઠક્કર અને અન્ય બાળકોએ કહ્યું કે જીવ સૃષ્ટિ બચાવવા માટે પર્યાવરણનું જતન કરવું એ આપણી સૌની સહિયારી ભાગીદારી છે અને જીવસૃષ્ટિના ચિત્ર દોરી મોહરા બનાવવાની ખૂબ જ મજા આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય વિનીતાબેન સુથાર, વિપુલભાઈ દેસાઈ તથા ભાવિશાબેનએ ખૂબ તૈયારી કરી હતી.’