– ડીસામાંથી નશીલા પદાર્થનો વેપારી ઝડપાયો
– પોલીસે ૧૮.૨૫ ગ્રામ એમડી ડ્રગ્સ, ૫૯.૭૬૦ ગ્રામ સ્મેક અને ૩૩૮.૬૦ ગ્રામ ગાંજો કબજે કર્યો
ડીસા શહેરની શિવગંગા સોસાયટીમાંથી પોલીસે એમડી ડ્રગ્સ, ગાંજો અને સ્મેંક જેવી ખતરનાક નશીલી ચીજવસ્તુઓનો વેપાર કરતાં શખ્સની અટકાયત કરી છે. પોલીસે તેના ઘરેથી કુલ રૂ.૭,૯૬,૭૩૬નો મુદ્દામાલ ઝડપી લઇ તેને જેલના હવાલે કર્યો છે.
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોના હેરાફેરી વધી રહ્યાના અહેવાલો મળી રહ્યા છે. તાજેતરમાં જ મુંદ્રા પોર્ટ પરથી કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સનો ઝડપાયો હતો જેની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસે ડીસામાંથી આવા નશીલા પદાર્થોના કારોબારીને ઝડપી લીધો છે. ડીસા શહેરમાં હાઇવે પર મોઢેશ્વરી સોસાયટી નજીક આવેલી શિવગંગા સોસાયટીમાં રહેતા શુભમ ઉર્ફે પાબ્લો કનૈયાલાલ પટેલ પોતાના ઘરે અલગ-અલગ નશીલી ચીજવસ્તુઓનો વેપાર કરતો હોવાની માહિતી ડીસા શહેર દક્ષિણ પોલીસને મળી હતી. પોલીસે વહેલી પરોઢે શુભમના ઘરે રેડ કરતા તેના ઘરેથી એમડી જેવા ખતરનાક ડ્રગ્સ સહિત વિવિધ પ્રકારના નશીલા પદાર્થો મળી આવ્યા હતા. એક સાથે નશીલા પદાર્થોની આટલી અલગ અલગ વેરાઇટી મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તેના ઘરેથી બે વજન કાંટા,૩ મોબાઇલ તેમજ રોકડ રૂપિયા ૬૩૫૦ રોકડા મળી કુલ રૂપિયા ૭૯૬૭૩૯ નો મુદ્દામાલ જપ્ત કરી શુભમ પટેલની અટકાયત કરી હતી.
પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ
– સ્મેક ૫૯.૭૬૦ ગ્રામ કિંમત રૂ.૫.૯૭,૬૦૦
– એમ ડી. દ્રગ્સ ૧૮.૨૫ ગ્રામ કિંમત રૂ.૧,૮૨,૫૦૦
– ગાંજો ૩૩૮.૬૦ ગ્રામ કિંમત રૂ.૩૩૮૬
– મોબાઈલ નંગ ૩ કિંમત રૂ. ૬૦૦૦
– રોકડ રકમ રૂ.૬૩૫૦
– વજન કાંટા ૨ કિંમત રૂ. ૯૫૦
– કુલ ૭,૯૬,૭૩૬ નો મુદામાલ