મેઘરજ તાલુકામાં વાવાઝોડામાં વિજપોલ ધરાશાયી થવાથી લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે તંત્ર કામે ના લાગતા જનતાએ જાતે શ્રમયજ્ઞ શરૂ કર્યો હતો.
રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત અરવલ્લી
મેઘરજ તાલુકામાં વાવાઝોડામાં વિજપોલ ધરાશાયી થવાથી લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. ત્યારે તંત્ર કામે ના લાગતા જનતાએ જાતે શ્રમયજ્ઞ શરૂ કર્યો હતો. મેઘરજ તાલુકાના અંતરિયાળ એવા નારણપુરા વિસ્તારમાં ગત ચાર દિવસ પહેલા આવેલા કમોસમી વરસાદ અને ભારે વાવાઝોડાથી આ વિસ્તારમાં વિજપોલ પડી ગયા હતા અને વિજતાર પણ તૂટી ગયો હતો. જેના કારણે આ વિસ્તારની જનતાને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. બીજા દિવસે ગ્રામજનોએ તંત્રમાં વિજપોલ બાબતે ફરિયાદ કરી, પરંતુ વીજ વિભાગના કોઈ કર્મચારી ફરક્યા જ નહીં. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ વીજકર્મી ના આવતા છેવટે ગ્રામજનોએ જાતે એકઠા થઇ શ્રમયજ્ઞ શરૂ કર્યો અને વીજપોલ તેમજ વિજતાર નાખવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે બેદરકાર વિજતંત્ર માટે શરમજનક કહેવાય એવી કામગીરી ગ્રામજનોએ જાતે ઉઠાવી છે. એક તરફ શાળા કોલેજો શરૂ થઈ ગઈ છે. ત્યારે વિદ્યાર્થીઓનો અભ્યાસ બરબાદ થાય છે. હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે વીજળી વગર લાઈટ, પંખા, એસી ચાલુ ના થવાથી બીમાર અને વૃદ્ધ લોકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે વિજતંત્ર જાગૃત થાય એ જરૂરી છે.