સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભાણપુર ગામના પાટીદાર ભાઇઓ દ્વારા સુપોષિત ગુજરાતના નિર્માણ માટે અનોખી પહેલ કરી છે
રિપોર્ટર વીરભદ્ર સિંહ ઝાલા બૌદ્ધિક ભારત સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભાણપુર ગામના પાટીદાર ભાઇઓ દ્વારા સુપોષિત ગુજરાતના નિર્માણ માટે અનોખી પહેલ કરી છે. છેલ્લા 39 વર્ષથી બાલમંદિરના બાળકોને દર શનિવારે દૂધ આપવાનું અને 14 વર્ષથી સગર્ભા માતાઓને દર મહિને ઘી આપવાનો અવિરત સેવા યજ્ઞ કરી રહ્યા છે.સાબરડેરીમાંથી વર્ષ 2011માં સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ ખેતી સાથે જોડાયેલા સમાજ સેવક દલજી પટેલ તેમજ વિરસંગ પટેલે ગામ લોકોના સાથ સહકારથી બાળકોના શિક્ષણ-પોષણ માટે ખૂબ જ ઉમદા કામગીરી કરી રહ્યા છે. કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કરીને રાજ્યવ્યાપી પોષણ અભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત ધારાસભ્યો, કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગામોને દત્તક લઈને ગુજરાતને કુપોષણ મુક્ત કરવાની નેમ સાથે સધન પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. આ અભિયાનને સાર્થક કરતું જન ભાગીદારી દ્વારા જન સેવાનું ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.દલજી પટેલ અને વિરસંગ પટેલે આ બે ભાઇઓએ ગામની સગર્ભામાતાઓ અને બાળકોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે અનોખું પુણ્યકર્મ શરૂ કર્યું છે. તેઓએ છેલ્લા 14 વર્ષ એટલે કે, વર્ષ-2009થી ગામની તમામ સગર્ભા માતાઓને દર મહિને 500 ગ્રામ ઘી પ્રસુતિ થાય ત્યાં આપે છે. જે અંતર્ગત તેઓએ છેલ્લા 14 વર્ષથી 738 સગર્ભા બહેનોને ગામની નર્સ બહેન અને આશા બહેનની મદદથી ઘીનું વિતરણ કર્યું છે. તેઓએ છેલ્લા 39 વર્ષ એટલે કે વર્ષ-1984થી બાલમંદિરના તમામ બાળકોને દર શનિવારે 100 ગ્રામ દૂધ આપવાનો પણ સંકલ્પ કર્યો છે. જે આજે પણ અવિરત ચાલુ છે.