રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને લઇ સરકાર દ્વારા શહેરમાં આવેલા જુદાજુદા એકમોમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે કે કેમ તે ચકાસવા માટે આદેશ કરાયા હતા. જે અંતર્ગત પાલિકા દ્વારા મંગળવારે ફાયર એનઓસીની તપાસ હાથ ધરાઇ હતી. જેમાં બંધ મિલકતોને સીલ કરી સંતોષ માન્યો હતો. પાલિકા ફાયર એનઓસીને લઈ મંગળવારે અગાઉ આપેલ નોટિસના આધારે જે મિલકતો માલિકો પાસે ફાયર એનઓસી નથી તેવી મિલકતોને સીલ મારવા માટે પહોંચ્યા હતા. પાલિકા દ્વારા ધાનેરા શહેરી વિસ્તારમાં 147 મિલકતોના માલિકોને ફાયર સેફ્ટી મામલે નોટિસ આપી દેવામાં આવી હતી. જેની આખરી તા. 15 જૂન હતી. જ્યારે મંગળવારે અગાઉથી શોસીયલ મીડિયામાં પાલિકા સીલની કામગીરી કરશે તેવી જાહેરાત આપ્યા બાદ સાંજે ફાયર એનઓસી મામલે રાજ મંદિર શોપિંગથી કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં શરૂઆત અગાઉથી બંધ સ્પા સેન્ટરથી કરવામાં આવી હતી. સાથે સિનેમા ઘર અને હોટેલ માલિકોએ બાંહેધરી આપવાનું કહેતા સીલ કરાયું ન હતું. ત્યારબાદ ધાનેરા મધુસુધન પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલ બંધ ટ્યુશન ક્લાસિસને સીલ કરવામાં આવ્યું હતું. આજ શોપિંગમાં આવેલ જીમ પર અગાઉથી તાળું લાગેલું નજરે પડતાં કાફલો પાછો પડ્યો હતો. પાલિકાના મુખ્ય અધિકારી રૂડાભાઈ રબારી સાથે પોલીસ કર્મી સહિતની ટીમો જોડાઈ હતી.