રિપોર્ટર કિશન મોહનિયા બૌદ્ધિક ભારત દાહોદ
સિકલસેલ અંગેની જાગૃતિ તમામ ગામડાઓના લોકો સુધી પહોંચે તેમજ તેઓ તે પ્રત્યે સભાન થાય તેમજ સમાજમાં બદલાવ આવે તે ખુબ જ જરૂરી છે.- કલેકટરશ્રી યોગેશ નીરગુડે
સિકલસેલ રોગમાં ખામીયુક્ત રંગસુત્રો માતા-પિતામાંથી બાળકને વારસામાં મળે છે.- જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ
દાહોદ : સમગ્ર દેશમાં ૧૯ મી જુનના રોજ ‘ વિશ્વ સિકલસેલ દિવસ ’ ની ઉજવણી કરવામાં આવે છે. સિકલસેલ એક આનુવંશીક રોગ છે. આ રોગના કારણે સિકલસેલ દર્દીના જીવનમાં સામાન્ય કરતા વધારે તકલીફ પડતી હોય છે. આ રોગની ગંભીરતાને ધ્યાને લઈને દર્દીની તકલીફ દુર થાય અને આ રોગ આગામી પેઢીમાં ન પ્રસરે તેવા ઉમદા હેતુથી દેશના વડાપ્રધાનના હસ્તે ૧૭ રાજયોમાં સિકલસેલ એનીમિયા નાબુદી મિશન ૨૦૪૭ કાર્યક્રમનો ગત વર્ષથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે.વિશ્વ સિકલસેલ દિવસ નિમિતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ઉજવવામાં આવ્યો હતો.આ પ્રાસંગિક વકતવ્યમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં કાર્યરત એનિમિયા નિર્મુલન મિશન હેઠળ અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા સિકલસેલ રોગ પ્રત્યે સામાન્ય લોકોમાં પણ જાગૃતિ આવે તે માટે દાહોદની આરોગ્ય વિભાગની ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાહનો થકી પણ પ્રચાર – પ્રસારની સતત કામગીરી કરી રહી છે. સિકલસેલ એનિમિયાના લક્ષણો અને તેના નિદાન અંગેની વિસ્તૃત જાણકારી આપતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમે કહ્યું હતું કે, ટેસ્ટીંગ કરવામાં કોઇપણ પ્રકારની ભૂલ નાં થાય તે જરૂરી છે. સિકલસેલ વાહક અને સિકલસેલ ડીસીઝ એમ બે પ્રકારના સિકલસેલ દર્દીઓ હોય છે. સિકલસેલ વાળું કપલ લગ્ન કરે તો બાળક સિકલસેલ વાળૂં જન્મે છે. તેથી સિકલસેલ વાળા સ્ત્રી અને પુરૂષે લગ્ન કરવા જોઇએ નહી. દરેક વ્યક્તિને ખાસ કરીને સિકલસેલ રોગવાળા બાળકોને આ રોગને લીધે વારેઘડીએ ગંભીર કટોકટીઓ ઉદ્ભવવાની શક્યતા રહે છે. સિકલસેલ એનિમિયા એ વારસાગત રોગ છે. જે રંગસુત્રોની ખામીને લીધે થાય છે. સિકલસેલ રોગમાં ખામીયુક્ત રંગસુત્રો માતા-પિતામાંથી બાળકને વારસામાં મળે છે. દાહોદ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો હોવાથી અહીં સિકલસેલનું પ્રમાણ વધુ જોવા મળે છે.
કલેકટરશ્રી યોગેશ નીરગુડેએ સિકલસેલ અંગેની જાગૃતિ તમામ ગામડાઓના લોકો સુધી પહોંચે તેમજ તેઓ તે પ્રત્યે સભાન થાય તેમજ સમાજમાં બદલાવ આવે તે ખુબ જ જરૂરી છે એમ કહેતા ઉમેર્યું હતું કે, સિકલસેલ એનીમિયાને નાબુદ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. આપણે પણ આપણી કામગીરી પૂરી લગ્નથી કરવી જોઈએ. હાલમાં આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી સંશોધનથી સિકલસેલના દર્દીઓ લાંબુ આયુષ્ય જીવી શકે છે. સિકલસેલના દર્દીઓ વિશેની ખોટી માન્યતાઓ તોડવાની જવાબદારી આપણી છે તેમજ સિકલસેલ હોવામાં થતી શરમને નેવે મુકવાની છે. લગ્ન કરનાર દંપતીએ લગ્નની કુંડળી જોતા પહેલાં સિકલસેલના વાહક છે કે નહિ તે ચકાસવું જરૂરી છે, સિકલસેલના બન્ને વાહકો હોય તો તેઓએ એકબીજા સાથે લગ્ન કરવા જોઇએ નહિં. જેથી ભવિષ્યમાં સિકલસેલના દર્દીઓમાં ઘટાડો કરી શકાય છે, જેથી આપણે આપણી અંદર રહેલા રોગ રૂપી દુશ્મન સામે લડવાનું છે. છેવાડાના ગામોમાં પણ સિકલસેલ અંગેની માહિતી પહોચે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમ દરમ્યાન સી.ડી.પી.ઓ., તાલુકા હેલ્થ ઓફિસર, ઝાયડસ હોસ્પિટલ એન્ડ કોલેજના સી.ઈ.ઓ.શ્રી સંજીવકુમાર, ઝાયડસ કોલેજના ડીન ડૉ.સી.ડી.ત્રિપાઠી, મેડીકલ ફેકલ્ટી, ડોક્ટર્સ, મેડીકલ સ્ટુડન્ટસ, આરોગ્ય ટીમ તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
