– લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતો સરકારમાં રજુઆત આંદોલન માટે સંગઠિત થઈ રહ્યા છે
બનાસકાંઠાના પશ્ચિમ વિસ્તારમાં ખેતી માટે કપરાં દિવસોના એંધાણો દેખાઇ રહ્યા છે. સતત ઓછો વરસાદ, બનાસ નદી કોરી ધાકોર, ભૂજળના સ્તર સતત નીચા જવા અને કેનાલો ખાલી રહેતા ખેડૂતો સંગઠીત થઇને સરકારમાં રજૂઆતો અને આંદોલનનો માહોલ ઉભો કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણેક વર્ષથી નહિવત વરસાદના કારણે નદી નાળા તેમજ તળાવો તળિયા ઝાટક છે જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં પણ વર્ષ ૨૦૧૭ ના પુર બાદ હજુ સુધી પાણી નથી આવ્યું જેના કારણે જિલ્લાના લાખણી, દિયોદર, ભીલડી, કાંકરેજ તેમજ થરાદ તાલુકા ના કેટલાક ગામોમાં દિન પ્રતિદિન ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે. ત્રણ વર્ષ પહેલાં ૬૦૦ થી ૭૦૦ ફૂટ ઉપર ભૂગર્ભ જળ હતું જે હાલમાં ૧૨૦૦ ફૂટ થી નીચે પહોંચી ગયા છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે બનાવેલ બોરમાં પણ પાણી ઉલેચવાનું બંધ થઇ ગયુ ં છે.નવા ટ્યુબવેલ ફેલ થઇ રહ્યાં છે. આ ભૂગર્ભ જળની સમસ્યાને લઇને લાખણી તેમજ દિયોદર તાલુકાના છવાડિયા, કુવાણા, લીંબાઉ, ચાળવા, લવાણા તેમજ રાંટીલા અને થરાદના જેતડા જેવા ગામોમાં ખેડૂતોનું સંગઠન બનાવી ગામમાં બેઠક યોજી હતી અને આવનાર સમયમાં અન્ય ગામો પણ ખેડૂત સંગઠન બનાવી સરકારમાં પાણીની રજુઆત કરવા ખેડૂતોએ તૈયારી આરંભી છે.
આગામી શિયાળુ અને ઉનાળુ પાકની ચિંતા
હાલમાં બનાસકાંઠા જિલ્લામાં વરસાદ થતાં ચોમાસુ પાકને જીવતદાન મળ્યું છે પણ હવે આગળ શિયાળું તેમજ ઉનાળુ પાકને પિયત માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની શકયતા છે જેને લઈ ખેડૂતો માં ચિંતા જોવા મળી રહી છે.
ખેડૂતો માટેની જળ સમસ્યાનો હલ
હાલમાં કાંકરેજ દિયોદર તેમજ લાખણી પંથકમાંથી પસાર થતી સૂજલામ સુફલામ કેનાલ માં નર્મદાનું પાણી ચાલુ રાખવામાં આવે તેમજ દરેક ગામના તળાવ પાણીથી ભરી ભૂગર્ભ જળ ઊંચા લેવામાં આવે અથવા તો નર્મદા ની મુખ્ય કેનાલ અને સૂઝલામ સુફલામ કેનાલના વચ્ચે ના ગામો માંથી અન્ય એક નવીન નર્મદા માયનોર કેનાલનું નિર્માણ કરી ખેડૂતોને પિયત માટે પાણી અપાય તો સમસ્યાનું સમાધાન થઈ શકે છે.
પાણી માટે આંદોલનના એંધાણ
હાલમાં ખેડૂતો સોશિયલ મીડિયા મારફતે તેમજ ગામડાઓમાં બેઠક યોજી પાણીની માંગ કરવા સંગઠિત થઈ રહ્યા છે જો સરકાર આ વિસ્તારના લોકોને પિયત માટે કોઈ આયોજન નહીં કરે તો ખેડૂતો પાણી માટે આંદોલન કરે તેવા એંધાણો છે.