ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકના રૂસ્તમપુરા નજીક નદીના કોતરોમાં બુટલેગરો દ્વારા ચાલતાં દારૂના વેપલાનો પર્દાફાશ થયો
રિપોર્ટર અશોક સિંહ સોલંકી બૌદ્ધિક ભારત ખેડા
ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકના રૂસ્તમપુરા નજીક નદીના કોતરોમાં બુટલેગરો દ્વારા ચાલતાં દારૂના વેપલાનો પર્દાફાશ થયો છે. પોલીસે 4.22 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી લીધો છે. જ્યારે દારૂ આપનાર બે મળી કુલ 3 સામે ગુનો દાખલ થયો છે. ગળતેશ્વર તાલુકાના રૂસ્તમપુરા ગામની સીમમાં ગામમાં રહેતાં કનુભાઈ ચંદુભાઈ પરમારે નદી કિનારાની કોતરોમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી, તેનું ગુપ્ત રાહે વેચાણ કરતો હોવાની બાતમી સેવાલિયા પોલીસને મળી હતી. આથી પોલીસની ટીમે ગતરોજ સાંજના સમયે ઉપરોક્ત જગ્યાએ દરોડો પાડ્યો હતો. આ સમયે બુટલેગર કનુ પરમાર કોતરની જમીનમાં ખાડો ખોદી દારૂની બોટલો કાઢતો રંગે હાથે પકડાયો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી હતી અને તે સ્થળ પર ખોદકામ કરાવ્યું હતું. આ દરમિયાન જમીનમાં ખાડો ખોદી સંતાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના 4224 નંગ ક્વાર્ટરીયા મળી આવ્યાં હતાં. પોલીસે વિદેશી દારૂનો જથ્થાની ગણતરી કરતા કિંમત રૂપિયા 4 લાખ 22 હજાર 400 તેમજ એક મોબાઈલ મળી કુલ રૂપિયા 4 લાખ 27 હજાર 400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે બાદ પકડાયેલાં કનુ પરમારની પુછપરછ કરતાં આ દારૂનો જથ્થો માલવણ ગામના દશરથભાઈ ઉર્ફે સીંગો દેસાઈભાઈ પરમાર અને ઈટાડા ગામના નવનીત ઉર્ફે ટીકાભાઈ જેણાભાઈ પરમારએ દારૂનો જથ્થો વેચાણ કરવા માટે આપ્યો હોવાનું કબુલાત કરી હતી. આથી પોલીસે આ કેસમાં કુલ 3 સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.