ધાનેરાના ગોલા ગામનો યુવક રાજસ્થાનના સાંચોર તાલુકાના પાંચલા ગામે ખેતી કરતો હતો. ત્યારે આ યુવકની હત્યા કરાયેલી લાશ ગુરુવારે સાંચોર તાલુકાના સુરાવા ગામ પાસે રસ્તાની સાઇડમાં પડેલી મળી આવી હતી. જે અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
રાજસ્થાનના સાંચોર તાલુકાના સુરાવા ગામ પાસે ગુરુવારે એક યુવકની હત્યા કરાયેલી લાશ રસ્તાની સાઇડમાં પડેલી જોવા મળતાં લોકોએ સાંચોર પોલીસને જાણ કરતાં સાંચોરના થાણાધિકારી પ્રતાપસિંહ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આ લાશની ઓળખ કરતા આ લાશ ધાનેરા તાલુકાના ગોલા ગામે રહેતા આલમખાન મહમંદખાન મુસ્લા (ઉં.વ.45) ની હોવાની અને રાજસ્થાનના સાંચોર તાલુકાના પાંચલા ગામે ખેતી કરતો હોવાની જાણ થઇ હતી.
જાણકારી મળતાં પોલીસે ગોલા ગામે તેના પરીવારજનોને આ બાબતની જાણ કરી હતી અને તેના પરીવારજનો આવતા આ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે સાંચોર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મૃતકના ભાઇ રસુલખાન મહંમદખાન મુસ્લાએ સાંચોર પોલીસ મથકે અજાણ્યા શખસે આલમખાનની હત્યા કરી હોવા બાબતેની ફરિયાદ નોંધાવી હતી. સાંચોરના ડીવાયએસપી રૂપસિંહ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તમામ લોકોને સમજાવ્યા હતા. પોલીસ દ્વારા હત્યારાને જલ્દી પકડી પાડવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો અને લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને લાશને દફનવિધી માટે ધાનેરાના ગોલા ગામે લાવવામાં આવી હતી.